જાંબુધોડાના કણજીયાણી પંચાયત માંથી વર્ષ 2025ના ગુમ થયેલ લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલના વકીલના મકાનમાં સંતાડેલ મળ્યા

પંચમહાલના જાંબુધોડા તાલુકાના કણજીયાણી સહિત ચાર ગ્રામ પંચાયતમાં ખોટા આધાર પુરાવાના આધારે લગ્ન નોંધણી કરનાર તલાટી કમ મંત્રીં અર્જુન મેધવાલને પોલીસે ઝડપી પાડયો હતો અને પુછપરછ દરમિયાન વર્ષ-2025ના લગ્ન નોંધણી દસ્તાવેજો અંગેની ખુલાસો કર્યો હતો કે, દસ્તાવેજો ડેરોલ ગામના વકીલના મકાનમાં સંતાડેલ છે. તેવી માહિતીના આધારે ડેરોલ ગામના વકીલના મકાન પર પોલીસ પહોંચી હતી અને દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે.

જાંબુધોડા તાલુકાના કણજીયાણી સહિત ચાર ગ્રામ પંચાયતમાં ખોટા આધાર પુરાવાના આધારે લગ્ન નોંધણી કરનાર તલાટી કમ મંત્રી અર્જુન મેધવાલને સસ્પેન્ડ કરી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જાંબુધોડા તાલુકા પંચાયતની નિમાયેલ ટીમ દ્વારા કણજીયાણી સહિત ચાર ગ્રામ પંચાયતમાં તપાસ કરાઈ હતી. તપાસ દરમિયમાન ગ્રામ પંચાયત માંથી વર્ષ 2025ના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા ન હતા. 2025ના વર્ષના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી નહી આવતાં તલાટી કમ મંત્રી અર્જુન મેધવાલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જાંબુધોડા પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. પોલીસની સંયુકત ટીમે બાતમી મળી હતી કે, તલાટી અર્જુન મેધવાલ ડેરોલ ગામે સંતાયો છે. તેવી બાતમીના આધારે પોલીસે તલાટી અર્જુન મેધવાલની ધરપકડ કરાઈ હતી. પોલીસ દ્વારા કણજીયાણી સહિત ચાર ગ્રામ પંચાયતમાં વર્ષ 2025માં થયલ લગ્ન નોંધણીના દસ્તાવેજો અંગે પુછપરછ કરાઈ હતી. પુછપરછ દરમિયાન તલાટી અર્જુન મેધવાલ વર્ષ 2025ના લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલ ગામે વકીલના મકાનમાં સંતાડી રાખ્યાની કબુલાત કરીહતી. તલાટી અર્જુન મેધવાલની કબુલાતના આધારે પોલીસે ડેરોલ ગામના વકીલના મકાનમાં તપાસ કરવા માટે પહોંચી હતી. તપાસ દરમિયાન ગ્રામ પંચાયતના વર્ષ 2025ના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા હતા. લગ્ન નોંધણીના દસ્તાવેજો માંથી ફરિયાદમાં નોધાયેલ લગ્ન નોંધણીના દસ્તાવેજો કબ્જે કર્યા હતા અને તલાટી અર્જુન મેધવાલ દ્વારા વર્ષ 2025માં કરેલ ગ્ન નોંધણીના અન્ય દસ્તાવેજો તપાસ ટીમને સોંપવામાં આવશે.

બોકસ: બોગસ લગ્ન કરનાર તલાટી અર્જુન મેધવાલની મિલ્કતની તપાસ માટે એ.સી.બી.માં રજુઆત કરાશે…

જાંબુધોડાના કણજીયા સહિત ચાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અર્જુન મેધવાલ પંચાયતોમાં થતાં લગ્ન નોંધણીના દસ્તાવેજો પંચાયત કચેરીમાં રાખવાની જગ્યાએ પોતાની સાથે લઈ જતો હતો. બોગસ લગ્ન નોંધણીના મામલે જીલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ તપાસ ટીમની રચના કરાઈહ તી. તપાસ ટીમની તપાસ દરમિયાન પંચાયત કચેરીઓ માંથી વર્ષ 2024ના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્યારે વર્ષ 2025ના લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલ ગામ ખાતે સંતાડીને રાખ્યા હતા. જે પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે. તલાટી અર્જુન મેધવાલ વિડીયોમાં લાખો રૂપીયા કમાયા હોય અને રાજસ્થાનમાં જમીનો ખરીદી હોવાનું જણાવતો હોય ત્યારે જીલ્લા પંચાયત દ્વારા તલાટી અર્જુન મેધવાલની મિલ્કતની તપાસ એ.સી.બી. પાસે કરાવવા માટે રજુઆત કરાશે.