જસદણ અને વડોદરામાં બે માર્ગ અકસ્માતોમાં બેના મોત, એક મહિલા ગંભીર રીતે ઘાયલ

રાજ્યમાં આજે બે જુદી જુદી જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત થયા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.બંને ઘટનાઓને લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જસદણના કનેસરા ગામ નજીક બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં વિઠ્ઠલભાઈ ઘોડકીયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. માહિતી મુજબ, વિઠ્ઠલભાઈ પોતાની પત્ની સાથે જસદણ તરફથી આવી રહ્યા હતા ત્યારે સામેથી આવેલી બાઈક સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ જસદણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજી ઘટના વડોદરાના પાદરાજંબુસર રોડ પર ઘટી, જ્યાં પૂરઝડપે દોડતી આઈસર ગાડીના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ડ્રાઇવ કરતાં રાહદારી અમૃતલાલ પ્રજાપતિને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અમૃતલાલભાઈનું સ્થળ પર જ મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા પાદરા પોલીસ સ્થળ પર દોડી આવી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.બે અલગ રસ્તાઓ પર બનેલી આ બે દુર્ઘટનાઓ ફરી એકવાર સાબિત કરે છે કે વાહનચાલકોની બેદરકારી અને ઝડપના શોખે નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકી દે છે.