જામનગરમાં એટીએસ અને મરીન કમાન્ડોનું દરિયામા સંયુક્ત ઓપરેશન, મધ્ય-પૂર્વ તણાવને પગલે સતર્કતા વધારી

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ગંભીર તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વૈશ્વીક અસ્થિરતા વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્વારા સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં “સઘન કોસ્ટલ પેટ્રોલિંગ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરક્ષા નિષ્ણાતોના મત મુજબ, જ્યારે પરિસ્થિતિ ‘નોર્મલ’ હોય ત્યારે રાખવામાં આવતી તકેદારી સૌથી મહત્વની છે. સામાન્ય રીતે હાઈ એલર્ટ બાદ જ્યારે માહોલ શાંત થાય છે, ત્યારે ઘણી વખત સુરક્ષામાં ઢીલ આવી જાય છે, પરંતુ જો આ સમયગાળામાં પૂરતી સાવચેતી રાખવામાં આવે તો ભવિષ્યની કોઈપણ સંભવિત કટોકટીને અટકાવી શકાય છે. આ જ વ્યૂહરચના અંતર્ગત જામનગરના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા કવચ મજબૂત કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાના હેતુથી રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે આ ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું. આ સમગ્ર કામગીરી એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્્યુરિટીના એડિશનલ ડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષાના ડીઆઈજી એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના એસપી એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી.

૧૨ મે ૨૦૨૬ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, પીએસઆઈ જી.એમ. બોપલિયા, પીએસઆઈ ડી.એચ. જાડેજા અને મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું. જામનગર જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો જેવા કે એરફોર્સ રેન્જ, સરમત અને રસૂલનગર, સિક્કા જેટી તેમજ સોલ્ટ ગેટ સહિતના સમગ્ર કોસ્ટલ બેલ્ટ પર મરીન કમાન્ડો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

આ સઘન ચેકિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોએ દરિયાકાંઠાના ફિશ લેન્ડીંગ પોઈન્ટ્‌સ, ફિશિંગ સેન્ટરો અને મહત્વના ઔદ્યોગિક સ્થાપો (વાઈટલ ઇન્સ્ટોલેશન)ની બારીકાઈથી તપાસ કરી. ખાસ કરીને અવર-જવર ઓછી હોય તેવી જગ્યાઓ અને શંકાસ્પદ બોટોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું. કોઈપણ અજાણ્યા ઈસમ કે શંકાસ્પદ પ્રવૃત્તિ પર કડક નજર રાખવાની સાથે સ્થાનિક માછીમારોને પણ સતર્ક રહેવા અને કોઈ અસામાન્ય હિલચાલ દેખાય તો તાત્કાલિક જાણ કરવાની સૂચના આપવામાં આવી.

જામનગરનો આ દરિયાઈ વિસ્તાર વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, ત્યારે મરીન ટાસ્ક ફોર્સની આ સજ્જતા દેશની આંતરિક સુરક્ષા અને નાગરિકો માટે એક મજબૂત આશ્વાસન સમાન છે.