સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત દાહોદ જીલ્લામાં મતદાન પૂર્ણ થયા બાદ તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતગણતરી યોજાનાર છે. મતગણતરી દરમ્યાન દાહોદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની સંભાવના હોવાથી ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ન સર્જાય તે હેતુસર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.એમ. રાવલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ ટ ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે નીચે મુજબની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે:
દાહોદ શહેરમાં આવતી-જતી એસ.ટી. બસો તથા ભારે વાહનોને ખરોડ બાયપાસ પરથી સીધા બસ સ્ટેશન તરફ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વાહનોને ઝાલોદ રોડ ખરોડ બાયપાસ ચોકડી, સતી તોરલ-રબડાલ, સિવિલ હોસ્પિટલ અને ડો. ભરપોડાના દવાખાના થઈ બસ સ્ટેશન તરફ ડાયવર્ટ કરવા ફરમાવવામાં આવ્યું છે.
ઝાલોદ રોડ બાયપાસ ખરોડ ચોકડીથી વન ચેતના ચોકડી સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
દાહોદ શહેરથી ઝાલોદ-લીમડી તરફ જતાં તમામ વાહનોને ગોધરા જકાત નાકા, સતી તોરલ માર્ગે થઈ ઝાલોદ તરફ જવાનું રહેશે.
” લીમડી અને ઝાલોદ તરફથી આવતા વાહનો ખરોડ બાયપાસ હાઈવે રોડ થઈ સતી તોરલ થઈ ગોધરા જકાત નાકાથી દાહોદ બજારમાં જવાનું રહેશે.
આ પ્રતિબંધ પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની આપાતકાલીન સેવાઓ તથા સરકારી ફરજ બજાવતા અધિકારીઓના વાહનો માટે લાગુ પડશે નહીં. ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને લઈ જતાં વાહનોને પણ રાહત આપવામાં આવશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જાહેરનામું તા. ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જીલ્લા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.