
ચૂંટણી ટાણે જ ગરબાડા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરીયાએ ભારતીય જનતા પાર્ટીને ‘રામ-રામ’ કહીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ટિકિટ કાપતા જ બગડ્યું ગણિત: વાયદો પૂરો ન થતા છેડો ફાડ્યો
મળતી માહિતી મુજબ, ભાજપ દ્વારા રમીલાબેન ભુરીયાને ટિકિટ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે, છેલ્લી ઘડીએ ટિકિટ ન મળતા રમીલાબેન લાલઘૂમ થયા હતા. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “ભાજપમાં મહિલાઓની સતત અવગણના કરવામાં આવે છે.” અન્યાય સામે અવાજ ઉઠાવી તેમણે કેસરિયો ત્યાગીને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે.
ચંદ્રિકાબેન બારીયાએ પહેરાવ્યો કોંગ્રેસનો ખેસ
પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના હસ્તે રમીલાબેન ભુરીયાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસે પણ આ તક ઝડપી લેતા રમીલાબેનને તુરંત જ અભલોડ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરી મેદાનમાં ઉતારી દીધા છે.