વિરપુર તાલુકામાં વીજ ચોરીથી વીજ કંપનીને ચાર મહિનામાં ચાર લાખનુ નુકસાન

વિરપુરની એમજીવીસીએલને 4 માસમાં વાયર, ટ્રાન્સ્ફોર્મર તથા ટ્રાન્સ્ફોર્મરની ઓઈલની ચોરી થતાં કુલ 4 લાખનુ અંદાજિત નુકસાન પહોંચ્યુ છે.

વિરપુર તાલુકામાં એમજીવીસીએલ દ્વારા લોકોના ધર વપરાશ, દુકાન, ઓફિસે વ્યવસાય લક્ષી તેમજ ખેતી ઉપયોગ માટે વીજળી પુરવઠો પુરો પાડી રહ્યુ છે. તાલુકામાં દરેકની જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો મળીરહે તે માટે ડે.એન્જિનીયર એચ.એફ.ભાભરાવાલા પોતાની ટીમ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તસ્કરો ટ્રાન્સ્ફોર્મરનુ ઓઈલ ચોરી અને વીજ વાયરો ચોરી કરી મોટુ નુકસાન કરી કંપની, પ્રજા અને પોલીસને પડકારી રહી છે. અત્યાર સુધીના ચાર માસ જેટલા ટુંકા સમયગાળામાં 6 ટ્રાન્સ્ફોર્મરોનુ અંદાજિત કિ.રૂ.36,900/-નુ ઓઈલ તેમજ 32 વીજ પોલના ગાળાનો એલ્યુમિનીયમ વાયર જેની કિ.રૂ.2,54,534/- થાય છે. સાથે એક વીજ ટ્રાન્સ્ફોર્મરને અંદાજિત કિ.રૂ.1,08,625/-નુ નુકસાન મળી કુલ 4,00,59/-નુ નુકસાન વિરપુરની એમજીવીસીએલ કચેરી ખાતે નોંધાયેલ છે. જેમાં ખેતી વિષયક પાણીની સમસ્યા સર્જાતા 9 જેટલા ખેડુત ગ્રાહકોને પાક લેવામાં નુકસાન થયેલ છે. વિસ્તારમાં તસ્કરોએ માઝા મુકી છે. દરેક ચોરીની એમજીવીસીએલના અધિકારી સમયે સમયે વિરપુર પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે.