યુસીસી બિલ પાસ થયા બાદ શંકર ચૌધરી, હર્ષ સંઘવી સહિતના નેતાઓએ બરફ ગોળા પાર્ટી માણી

મંગળવારે (૨૪ માર્ચ, ૨૦૨૬) વિધાનસભામાં યુસીસી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું. ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (યુસીસી) ને કારણે આખો દિવસ ગૃહમાં ગરમાગરમીનો માહોલ છવાયો હતો. સવારથી જ પક્ષ અને વિપક્ષ વચ્ચે દલીલોનો દોર ચાલી રહ્યો હતો. ત્યારે મંગળવારે રાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્યોએ બરફના ગોળાની મજા માણી હતી. બિલ પાસ થયા બાદનું આ દ્રશ્ય હાલ ઘણું જ વાયરલ થઈ રહ્યું છે.

વિધાનસભા ગૃહમાં મંગળવારે બહુમતી સાથે બિલ પસાર થયું અને ગૃહમાં હર્ષનાદ ગુંજી ઊઠ્યો. પણ આ લાંબી પ્રક્રિયાએ સૌને થકવી દીધા હતા. જ્યારે નેતાઓ વિધાનસભાની બહાર નીકળ્યા, ત્યારે ગાંધીનગરની રાતનો ઠંડો પવન તેમને આવકારી રહ્યો હતો.  સામાન્ય રીતે નેતાઓ મોટા પ્રોટોકોલ અને સુરક્ષાના કાફલા સાથે ફરતા હોય છે. પણ ગઈકાલે રાતે અલગ જ માહોલ જોવા મળ્યો.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ધારાસભ્યો સામાન્ય નાગરિક બની ગયા હોય તેમ બરફના ગોળાની મજા માણી હતી. રાતે આ નેતાઓનો કાફલો સેન્ટ્રલ વિસ્ટા રોડ પર આવેલા ‘રાજધાની ડીલગોળા સેન્ટર’ પર પહોંચ્યો. ત્યાં હાજર લોકો તો જોતા જ રહી ગયા! જે નેતાઓને હમણાં જ ટીવી પર ગંભીર ચર્ચા કરતા જાયા હતા, તે જ નેતાઓ અત્યારે લારી પાસે ઊભા રહીને ‘બરફના ગોળા’નો ઓર્ડર આપી રહ્યા હતા.

નેતાઓએ હળવાશની પળોમાં એકબીજા સાથે વાતો કરતાં કરતાં બરફગોળાની મજા માણી હતી. સ્થાનિક લોકો માટે આ દ્રશ્ય અવિસ્મરણીય હતું. કોઈએ ફોટા પાડ્યા તો કોઈએ સેલ્ફી લીધી. સોશિયલ મીડિયા પર આ ક્ષણના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે.

“ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત” બિલની ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં પવિત્ર ‘ચૈત્રી નવરાત્રિ’ નો મહોત્સવ ચાલી રહ્યો છે. આ એ પર્વ છે જ્યાં આપણે નારી શક્તિની ઉપાસના કરીએ છીએ. અને આ કેટલો અદભુત સંજાગ છે કે નવદુર્ગાની આરાધનાના આ જ પવિત્ર દિવસોમાં ગુજરાત સરકાર ગુજરાતની લાખો માતાઓ, બહેનો અને દીકરીઓને સશક્ત કરવાનું બિલ લઈને આ ગૃહમાં આવી છે! આ બિલ રાજ્યની મહિલા શક્તિના સન્માનનો એક ઐતિહાસિક નિર્ધાર છે.