નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માનવતાને ઝંઝોડીને મૂકી દે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક માતાના વિશ્વાસનો ભંગ કરી તેના લિવ-ઇન પાર્ટનરે તેની બે નાબાલિક દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે, જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના એક ગામમાં છેલ્લા છ વર્ષથી એક મહિલા પોતાના પાર્ટનર સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી હતી. મહિલાની ૧૨ અને ૧૩ વર્ષની બે દીકરીઓ પણ તેની સાથે જ રહેતી હતી. આ દરમિયાન, સાવકા પિતા તરીકે ઓળખાતા આરોપીએ માનવતાની તમામ હદો વટાવી બંને માસુમ બાળાઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી વારંવાર બાળકીઓને ધમકી આપતો કે જો તેઓ કોઈને વાત કરશે તો તેમને અને તેમની માતાને ભોજન નહીં આપે.
આરોપીએ ઘર પાસેના જંગલ જેવા વિસ્તારોમાં તેમજ ઘરમાં પણ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય પહેલા ૧૨ વર્ષની દીકરીને પેટમાં દુખાવો થતાં માતા તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગઈ હતી. ત્યાં ડાક્ટરે શંકા જણાતા સોનોગ્રાફી કરવાની સલાહ આપી. સોનોગ્રાફીના રિપોર્ટમાં બાળકી પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આઘાતગ્રસ્ત માતાએ જ્યારે દીકરીને પૂછપરછ કરી, ત્યારે ખુલ્યું કે આ કૃત્ય માટે જવાબદાર બીજા કોઈ નહીં પરંતુ તેનો પોતાનો પાર્ટનર જ હતો. ત્યારબાદ મોટી દીકરીએ પણ તેના સાથે થયેલી બળજબરી અંગે ખુલાસો કરતા મામલો વધુ ગંભીર બન્યો હતો. વિશ્વાસઘાત અને ક્રૂરતાની આ ઘટનાએ માતાને માનસિક રીતે તોડી નાખી હતી.
માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે પોસ્કો એક્ટ અને દુષ્કર્મ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આરોપીને કડક સજા અપાવવા પ્રયાસ કરવામાં આવશે.
આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે, ખાસ કરીને લિવ-ઇન અથવા બીજા લગ્નમાં રહેનારી મહિલાઓ માટે. બાળકોની સુરક્ષા માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે વિશ્વાસપાત્ર માનવામાં આવતા લોકો પણ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે.