સુપ્રીમ કોર્ટમાં દિલ્હી રમખાણોની સુનાવણી : ચાર્જશીટમાં સત્તા પરિવર્તનના કાવતરાનો ઉલ્લેખ નથી

૨૦૨૦ના દિલ્હી રમખાણો સંબંધિત કેસ પર સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન, ગુલ્ફીશા ફાતિમાએ દલીલ કરી હતી કે ’શાસન પરિવર્તન કામગીરી’નો દાવો દિલ્હી પોલીસ ચાર્જશીટમાં શામેલ નથી. ફેબ્રુઆરી ૨૦૨૦ના રમખાણો કેસમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન, કાર્યર્ક્તા ગુલ્ફીશાના વકીલ, અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આરોપીએ લગભગ છ વર્ષ જેલમાં વિતાવ્યા છે. ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એનવી અંજારિયાની બેન્ચ સમક્ષ બોલતા, સિંઘવીએ કહ્યું કે ટ્રાયલમાં વિલંબ આઘાતજનક છે. તેમણે કહ્યું કે આ એક આઘાતજનક કેસ છે અને તેમની યાદમાં આ પહેલાં ક્યારેય આવું બન્યું નથી.

મંગળવારે સુનાવણી દરમિયાન કાર્યર્ક્તા ગુલ્ફીશા ફાતિમાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી પોલીસના સંકલિત શાસન પરિવર્તન કામગીરી અથવા સરકાર બદલવાના કાવતરાના દાવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ નથી. ફાતિમાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સિંઘવીએ પૂછ્યું, તમે (દિલ્હી પોલીસે) તમારી ચાર્જશીટમાં શાસન પરિવર્તનના આરોપને ક્યાં કેન્દ્રમાં રાખ્યો છે? તેમણે કહ્યું કે આસામને ભારતથી અલગ કરવા માટે સમગ્ર ભારતમાં કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ફરિયાદ પક્ષનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે. તેમણે કોર્ટને કહ્યું કે પોલીસે આવા દાવાઓનો આધાર સમજાવવો જોઈએ.

સિંઘવીએ કહ્યું કે ફાતિમા સામેના આરોપો હજુ સુધી ઘડવામાં આવ્યા નથી અને તેમને અનંત અટકાયતમાં રાખી શકાય નહીં. ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં ૯૩૯ સાક્ષીઓ ટાંકવામાં આવ્યા છે. જૂન ૨૦૨૧ માં હાઈકોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીનનો ઉલ્લેખ કરતા સિંઘવીએ કહ્યું, સહ-આરોપી નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઈકબાલ તન્હાને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ફાતિમા આ કેસમાં એકમાત્ર મહિલા આરોપી છે જે હજુ પણ જેલમાં છે. ઘણા આરોપીઓને ૨૦૨૧ માં જ જામીન આપવામાં આવ્યા હતા. આને યાનમાં રાખીને, મારો કેસ ખૂબ જ નાનો છે.

ફેબ્રુઆરી ૨૦૨૦ માં દિલ્હી રમખાણોમાં જેએનયુ વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ, શરજીલ ઈમામ અને અન્ય ઘણા આરોપીઓની જામીન અરજીઓનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું કે દિલ્હી રમખાણો અચાનક બનેલી ઘટના કે હુમલો નહોતો, પરંતુ દેશની સ્વતંત્રતા પર ઇરાદાપૂર્વકનો, આયોજિત અને સુનિયોજિત હુમલો હતો.

સિંઘવીએ જામીન માટે અપીલ કરતા કહ્યું કે ફાતિમાના ’ગુપ્ત મુલાકાત’માં હાજરી આપવાના આરોપો સહ-આરોપી નરવાલ અને કાલિતા સામે લગાવવામાં આવેલા આરોપો જેવા જ છે. મરચાંના પાવડર, એસિડ અથવા અન્ય કોઈ વસ્તુના ઉપયોગના કોઈ પુરાવા મળ્યા નથી. કંઈપણ પ્રાપ્ત થયું નથી. મુલાકાત વિશેની માહિતી સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી હતી, તો તેને ગુપ્ત મુલાકાત કેવી રીતે કહી શકાય? સિંઘવીએ દલીલ કરી હતી કે દિલ્હી પોલીસ તેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.

નોંધનીય છે કે ૨૦૨૦ ના દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ, ઇમામ, ફાતિમા, મીરાં હૈદર અને રહેમાન સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા છે. તેમના પર રમખાણોના કથિત ’માસ્ટરમાઈન્ડ’ હોવાનો પણ આરોપ છે. રમખાણોમાં ૫૩ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા. નોંધનીય છે કે લગભગ પાંચ વર્ષ પહેલા સરકારે દેશમાં નાગરિક્તા (સુધારા) અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા અને દિલ્હીમાં ઘણી જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી