ક્રુરતાની હદપાર : ૨ દિવસની નવજાત બાળકીના શરીરમાં સ્ક્રૂ ડ્રાઈવરથી ૧૦૦થી વધારે કાણાં પાડી હત્યા

ભોપાલ,
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારું કાળજું કાંપી ઉઠશે, રૂવાડા ઉભા થઈ જશે. અને તમે વિચારતાં રહી જશો કે હજુ તો હાલ દુનિયામાં પગ મૂકનાર બાળકી સામે આટલી ક્રૂરતા કોઈ માણસ કેવી રીતે આચરી શકે. ભોપાલમાં ૨ દિવસ પહેલાં જન્મ લેનાર બાળકીનાં શરીરમાં સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી ૧૦૦થી વધારે વખત હુમલો કરવામાં આવ્યો અને પછી તેને શાલ ઓઢાડીને તેને મંદિરના કિનારે ફેંકી દીધી હતી. રાજધાની ભોપાલમાં ૧૫ દિવસોની અંદર નવજાત બાળકીની હત્યાનો આ ત્રીજો મામલો છે.

ભોપાલના અયોધ્યા નગર વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, ૨૪ સપ્ટેમ્બરની સવારે બાળકીની લાશ મળવા અંગે જાણ થઈ હતી. જ્યારે પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો બાળકીની હાલત જોઈને તે લોકોનું પણ કાળજું કાંપી ઉઠ્યું હતું. નવજાતના શરીરમાં ૧૦૦થી વધારે કાણાં પડેલાં હતા, જે સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી કરવામાં આવ્યા હતા.

પોલીસને પહેલાં શંકા હતી કે બાળકીને મંદિર પાસેથી ફેંકી દેવાને કારણે જાનવરોએ તેની આવી હાલત કરી હશે. પણ જ્યારે પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યો તો તેમાં ખુલાસો થયો કે બાળકીના શરીર પર સ્ક્રૂ ડ્રાઈવર વડે કાણાં પાડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.