કાલોલના પીંગળી ફાટક સ્થિત બની રહેલા રેલ્વે ઓવરબ્રિજની કામગીરીની ધોરણે ઓવરબ્રિજની પાસેના ધુળિયા પાસ રોડ પર ઉડતી ધુળની ડમરીઓથી આસપાસના ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યુ છે. જે અંગે અસરગ્રસ્ત ખેડુતોએ જવાબદાર તંત્ર અને ઓવરબ્રિજના જવાબદાર કોન્ટ્રાકટરને પાસ રોડ પર પાણીનો છંટકાવ કરવાની સુચનાઓ આપવા છતાં કોઈ ધ્યાન આપતુ નથી. આ ધુળિયા પાસ રોડ પરથી ૨૪ કલાક પસાર થતાં વાહનોને કારણે કાચા રોડની ઉડતી ધુળની ડમરીઓ આસપાસના ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેને કારણે રોડની પાસેના ખેતરોમાં ધુળધાણી થતાં જોવા મળી રહ્યા છે. અસરગ્રસ્ત ખેડુતોના જણાવ્યા અનુસાર આખા રસ્તે પિયતવાળી ખેતી છે. લાયક જમીન આવેલી છે જે ખેતીને આધારે જીવન ધોરણ નભે છે. પરંતુ પાછલા બે-ત્રણ વર્ષોથી બની રહેલા ઓવરબ્રિજને પગલે કાચા પાસ રોડની બાજુમાં આવેલા ખેતરોમાં કોઈ ૫ાક લઈ શકતા નથી. એવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. જે અંગે અસરગ્રસ્ત ખેડુતોએ જવાબદાર તંત્રનુ ધ્યાન દોરીને જવાબદાર કોન્ટ્રાકટરને પાસ રોડ પર નિયમિત પાણીનો છંટકાવ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ બેજવાબદાર કોન્ટ્રાકટર દ્વારા આવી કોઈ સુચનાઓને ધ્યાને લીધી નથી. હવે ઉનાળાની ઋતુમાં આ ધુળિયા પાસ વે પર ૨૪ કલાક ઉડતી ધુળની ડમરીઓથી પરેશાન ખેડુતોના સમસ્યાના નિવારણ માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.