ભાવનગર મહાનગરપાલિકાએ વેરો ના ભરનારાઓની ૨૦ મિલકતોને સીલ કરી

ભાવનગર મહાનગરપાલિકાએ વેરો વસુલવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. વેરો ભરવા માટે અનેક અપીલ છતા પણ વેરો ના ભરતા એકમો સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાએ નામચીન પેઢી સહિત કુલ ૨૦ મિલકતોને સીલ કરી છે. મહાનગરપાલિકાએ અત્યાર સુધી ૧૫૯.૭૭ કરોડનો વેરો વસૂલ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકાએ કરદાતાઓને વેરો ભરવા માટે અપીલો કર્યા બાદ પણ વેરો નહિ ભરનાર સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાએ ૧૮ ફેબ્રુઆરીના રોજ ૧.૯૮ કરોડની આવક સાથે કુલ ૧૫૯.૭૭ કરોડની આવક પ્રાપ્ત કરી લીધી છે. મહાનગરપાલિકાના કુલ ૩.૧૦ લાખ જેટલા કારદાતાઓ છે તે પૈકી ૧.૯૨ લાખ કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે.

ભાવનગર શહેરમાં નામચીન પેઢીઓ સામે પણ મહાનગરપાલિકાએ હવે બાકી વેરાને લઈને બાયો ચડાવી છે. મહાનગરપાલિકા દ્વારા ૧૮ ફેબ્રુઆરીના રોજ રીકવરી ટીમ દ્વારા શહેરમાં કુલ ૨૦ મિલકતો સામે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાએ ઘોઘા સર્કલમાં આવેલી ક્રેવ ઇટેબલ નામની બચુભાઇ દુધવાળાની દુકાનને સીલ માર્યું હતું. પેઢીના કુલ ૧૯.૯૭ લાઝ મિલકત વેરો બાકી હોવાથી સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

ભાવનગર મહનગરપાલિકા દ્વારા બાકી કરદાતાઓ માટે પણ અનુરોધ કર્યો છે. વર્ષ ૨૦૨૫/૨૬ના વેરાની ભરપાઈ કરવા માટે માર્ચ મહિનો છેલ્લો છે ત્યારે દોઢ માસ જેવો સમય બાકી હોવાથી મહાનગરપાલિકાએ અનુરોધ કરી ભરપાઈ વેરો કરવા જણાવ્યું છે.