
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ઘાટા ગામે ગત રાત્રે એક યુવા દંપતીએ ઝેરી દવા પી લેતા બંનેના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, હિતેશભાઈ ઉદેસિંહ બારીઆ અને તેમની પત્ની જયશ્રીબેન હિતેશભાઈ બારીઆએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.પરિવારજનોને જાણ થતાં જ તેમને તાત્કાલિક શિવરાજપુરમાં ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબિયત વધુ ગંભીર હોવાથી હાલોલની કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંને પતિ-પત્નીનું મોત થયું હતું. તેમના લગ્નને માત્ર એક વર્ષ જ થયું હતું.
ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.બંને મૃતદેહોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બનાવ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, અને પોલીસ પરિવારજનો તથા આસપાસના લોકોના નિવેદનો લઈ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.