
કાલોલ સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’ ૨૦૨૬કાર્યક્રમની ૯મી આવૃતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદનું જીવંત પ્રસારણ નિહાળવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વડાપ્રધાનએ દેશભરના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, પરીક્ષા એ જીવનનો અંત નથી પરંતુ એક નાનકડો પડાવ છે. તેમણે દબાણ વગર પરીક્ષા આપવા માટે જે મંત્રો આપ્યા, તેને વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક સાંભળ્યા હતા.શાળામાં આયોજિત આ પ્રસારણ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા સમય પાલન અને આત્મવિશ્વાસ વધારવાના સૂચનો ખૂબ જ મહત્વના સાબિત થયા હતા. વડાપ્રધાનએ વાલીઓને પણ અપીલ કરી હતી કે, તેઓ બાળકો પર બિનજરી અપેક્ષાઓનું ભારણ ન નાખે.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનનો આ પ્રયાસ ગ્રામીણ અને શહેર એમ બંને સ્તરના વિદ્યાર્થીઓ માટે મનોબળ વધારનારો છે. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ડર ઓછો થયો છે.