
ગાંધીનગરમાં રાજ્ય સરકારની આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. જે 1 એપ્રિલથી ઓનલાઈન મળશે. જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે.
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. આ માટે સરકારી કચેરીઓમાં મોટી લાઈનો લાગતી હતી અને વાલીઓને એડમિશનની ચિંતા સાથે દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હતી.
1 એપ્રિલથી પ્રમાણપત્રો ઓનલાઇન મળતા શરૂ થશે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. તેના પરિણામે 70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે અને લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે.
આગામી 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઇન મળતા શરૂ થઈ જશે. કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
કલાકારો સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે કોંગ્રેસના નેતાઓ દ્વારા કલાકારો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ મુદ્દે પ્રતિક્રિયા આપતા વાઘાણીએ જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ભવાઈ કરતા કલાકારનું પણ સન્માન કરે છે. કલાકારો સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે, તેથી તેમના પર કોઈ ટીકા કે ટિપ્પણી થવી ન જોઈએ.
કોંગ્રેસ સનાતન વિરોધી વલણ અને વોટબેંકની રાજનીતિ કરે છે તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસને સનાતન સામે હંમેશા વાંધો રહ્યો છે અને આજે પાર્ટી લોક સ્વીકૃતિ માટે વલખાં મારે છે. કોંગ્રેસ સનાતન વિરોધી વલણ અને વોટબેંકની રાજનીતિ કરે છે.