
બોડેલી નજીક વણીયાદ્રિ ગામ પાસે ગત રાત્રિએ હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. મૃતકો વાસણા ગામના રહેવાસી હતા.
બોડેલી-નસવાડી રોડ પર બનેલી આ ઘટનામાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક લગભગ 600 મીટર દૂર ફંગોળાઈ ગયું હતું. ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકો બોડેલીમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા.
આ ઘટનાને પગલે વાસણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આજે ગામ માંથી એકસાથે ત્રણ ગ્રામજનોની અંતિમયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા, જેથી ગામ હિબકે ચડ્યું હતું.
અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ટક્કર મારનાર વાહન અને તેના ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.