મરતોલી ગામે પૂનમના દિવસે દર્શન માટે આવેલા એક ઠાકોર યુવક પર ચાર શખ્સોએ બોલાચાલી બાદ લાકડાના ધોકા અને કડુ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં યુવકને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સાંથલ પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર, બેચરાજીના આસજોલ ગામે રહેતા જયદીપ ફતેહસંગ ઠાકોર પૂનમના દિવસે પોતાના મિત્રો સાથે મરતોલી ગામે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ તેઓ ગામના એક પાર્લર પાસે ઊભા હતા, ત્યારે બેચરાજીના રૂપપુરા ગામના સંદીપ ટીનુભા ઝાલા સહિત ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ યુવકને પૂછ્યું કે તે કયા ગામનો છે અને કઈ જાતિનો છે. યુવકે પોતે આસજોલ ગામનો ચૌહાણ હોવાનું કહેતાં જ આરોપીઓ ઉશ્કેરાયા હતા અને તેની કોલર પકડી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં ચારેય શખ્સોએ લાકડાના ધોકા અને કડુ વડે યુવકને માર માર્યો હતો.
હુમલા બાદ ભયભીત યુવક ત્યાંથી નીકળી આસજોલ તરફ જવા લાગ્યો હતો, પરંતુ જૂના નેડિયા પાસે ફરી એકવાર આરોપીઓ તેની પાછળ આવી ગયા હતા. અહીં ફરીથી યુવક પર હુમલો કરી ‘આ ગામે ફરી આવતો નહીં’ તેવી ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકે સારવાર લીધા બાદ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.