
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ રાજ્યની તમામ ૩૪ જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. ૧ કરોડની વાષક વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટનો ઉપયોગ જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે કરી શકાશે.
મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી જિલ્લા પંચાયતના પ્રમુખોને તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે વધુ સ્વતંત્રતા અને જવાબદારી મળશે. અત્યાર સુધી રાજ્યમાં ધારાસભ્યોને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ રૂ. ૨.૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી, પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખો માટે આવી કોઈ અલગ વિવેકાધીન ગ્રાન્ટ ઉપલબ્ધ નહોતી.
જિલ્લા પંચાયતના પ્રમુખોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના જિલ્લામાં ગ્રામ્ય વિકાસને વધુ વેગ આપવા માટે સ્થાનિક જરૂરિયાતો અનુસાર તાત્કાલિક નિર્ણયો લઈ શકાય તેવી વિવેકાધીન ગ્રાન્ટ આપવામાં આવે. ગામડાંમાં રસ્તા, પીવાનું પાણી, આરોગ્ય સુવિધા, શાળાઓ, આંગણવાડીઓ, ગ્રામ પંચાયત ભવનો, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતા જેવી મૂળભૂત જરૂરિયાતોને ઝડપથી પૂરી કરી શકાય એ માટે આ ફંડ અત્યંત જરૂરી હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પંચાયત પ્રમુખોની રજૂઆતોને સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. તેમણે સામાન્ય વહીવટ વિભાગને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે રાજ્યની તમામ ૩૪ જિલ્લા પંચાયતના પ્રમુખોને રૂ. ૧ કરોડની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવે.
આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસમાં નવી ગતિ આવશે. ઘણી વખત નાના પરંતુ મહત્વપૂર્ણ વિકાસ કામો માટે લાંબી મંજૂરી પ્રક્રિયા અને ફંડની અછત વિકાસમાં અવરોધરૂપ બનતી હતી. હવે જિલ્લા પંચાયત પ્રમુખો સ્થાનિક સ્તરે જરૂરી વિકાસ કાર્યો ઝડપથી હાથ ધરાવી શકશે.
આ પગલું પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે. જિલ્લા સ્તરે લોકપ્રતિનિધિઓને નાણાકીય સત્તા મળવાથી લોકશાહી વધુ અસરકારક બને છે. સ્થાનિક પ્રશ્ર્નોના ઉકેલ માટે સ્થાનિક નેતૃત્વ વધુ સક્ષમ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય રાજ્ય સરકારની વિકાસલક્ષી અને જનકેન્દ્રિત નીતિનું પ્રતિબિંબ છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સમાન વિકાસ થાય તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ ગ્રાન્ટથી ગામડાંના લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવાના પ્રયાસોને બળ મળશે.
આ નિર્ણયના અમલથી આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી અને જીવનસુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. જિલ્લા પંચાયત પ્રમુખોની ભૂમિકા વધુ સક્રિય બનશે અને રાજ્યના દરેક ખૂણે વિકાસ પહોંચશે.