
ગુજરાતમાં થોડા દિવસથી શિયાળો જામ્યો હોવાનું અનુભવાતું હતું. આજે સવારથી અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી બાજુ હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી આપી છે. આ દરમિયાન આજે સવારે પોરબંદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો બનાસકાંઠામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાને કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આજે સવારે પોરબંદરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. પોરબંદરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભર શિયાળે માવઠું થતાં થોડો સમય માટે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
પોરબંદર સહિત બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોના આકાશમાં કાળા વાદળો છવાયા છે. હવામાન વિભાગે બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહીના પગલે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના રાયડો, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકોને નુક્સાન થઈ શકે છે. વાતાવરણમાં બદલાવ થતા ખેડૂતોમાં ચિંતા વધી છે.
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ; સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. પહેલી તારીખથી પાંચ દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.
હવામાન વિભાગે તાપમાન અંગેની આપેલી માહિતી પ્રમાણે, આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આગામી બે દિવસ માટે બેથી ત્રણ સેલ્સિયસ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.