વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ભૈયાપુરા ગામ નજીક એક બેફામ ગતિએ આવતા અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવા પર સવાર બે આશાસ્પદ યુવકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. કપડાં લેવા ગયેલા બે મિત્રોના મોતથી માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના હટીસિંહની મુવાડી ગામના બે મિત્રો, ૧૪ વર્ષીય મેહુલ સંજયભાઈ ચાવડા અને ૨૧ વર્ષીય વિશ્ર્વરાજ લાલસિંહ ચાવડા ડેસરના વાલાવાવ ખાતે નવા પકડા લેવા માટે આવ્યા હતા. મેહુલ ધોરણ ૯ માં અભ્યાસ કરતો હતો, જ્યારે વિશ્ર્વરાજ તેનો મોટો મિત્ર હતો. બંને મિત્રો નવા કપડાં ખરીદીને પોતાની એક્ટિવા પર પરત ઘરે જઈ રહ્યા હતા.
તેઓ જ્યારે ડેસર તાલુકાના ભૈયાપુરા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા ડમ્પર ચાલકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ બંને યુવાનો રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ તેમના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.
અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડેસર પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડેસર સીએચસી ખાતે ખસેડ્યા હતા.જ્યારે આ અકસ્માતની જાણ મૃતક યુવાનોના માતા-પિતા અને પરિવારજનોને થઈ ત્યારે તેમના પર આભ ફાટી પડ્યું હતું. હોસ્પિટલ ખાતે પહોંચેલા પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતુ.
ડેસર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા ડમ્પર ચાલકને પકડવા માટે પોલીસે પેટ્રોલ પંપ અને હાઈવે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે આવા બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.