ઝાલોદ નગરમાં અશાંત ધારા અમલની માંગ ઉગ્ર : મીઠાચોક વિસ્તારમાં એક પછી એક મુદ્દે સ્થાનિકોમાં રોષ

મંદિર નજીક પશુઓના હાડકાં મળતાં હિન્દુ સમાજમાં રોષની લાગણી

ઝાલોદ નગરના મીઠાચોક વિસ્તારમાં આવેલ રામજી મંદિરથી અંદાજે ૧૦૦ ફૂટના અંતરે તેમજ વલ્લભ સખી મંડળ હોલ અને હિન્દુ પરિવારોના રહેણાંક મકાનોની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં પશુઓના હાડકાંના ટુકડા જોવા મળતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ જમીન વૈષ્ણવ સમાજના મંદિરને દાનમાં મળેલી મિલ્કત હોવાનું જણાવવામાં આવે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિર અને રહેણાંક વિસ્તારની નજીક આવા અવશેષો જોવા મળતા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. હિન્દુ સમાજના આગેવાનો અને રહેવાસીઓએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કોઈ અસામાજીક તત્વો દ્વારા જાણીજોઈને ધાર્મિક વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, આ બાબતે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

મીઠાચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક ગેર હિન્દુ ( હિન્દુ સમાજના બહારના ) સમાજના લોકો દ્વારા હિન્દુ પરિવારોની આસપાસ આવેલી મિલ્કતો અંગે પૂછપરછ કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

વિસ્તારના કેટલાક રહેવાસીઓનું કહેવું છે કે એક જ વિસ્તારમાં સતત મિલ્કતો ખરીદવાના પ્રયાસો અંગે લોકોમાં ચિંતા ઉભી થઈ રહી છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે આવા સંવેદનશીલ વિસ્તારોમાં મિલ્કત વ્યવહારોને લઈને વહીવટી તંત્રએ જ‚રી દેખરેખ રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારના સામાજીક વિવાદો ઊભા ન થાય.

મીઠાચોક વિસ્તાર માંથી માસ-મટનના વેસ્ટ અને કચરાથી ભરેલા વાહનો પસાર થતા હોવાના મુદ્દે પણ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રહેવાસીઓનું કહેવું છે કે આવા વાહનોમાંથી દુર્ગંધ ફેલાતી હોવાથી આસપાસના લોકો તેમજ મંદિર આવતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આવા કચરાના પરિવહન માટે અલગ માર્ગ નક્કી કરવામાં આવે તેમજ સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોનું કડક પાલન થાય. નગરપાલિકા અને સંબંધિત વિભાગ દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મીઠાચોક વિસ્તારમાં ઉભા થયેલા વિવિધ વિવાદો અને સામાજીક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનો દ્વારા વિસ્તારમાં અશાંત ધારા (Disturbed Areas Act) લાગુ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. તેમના મતે મિલ્કત ખરીદી-વેચાણના વ્યવહારોમાં પારદર્શિતા અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા લાગુ થાય તો ભવિષ્યમાં સામાજીક વિવાદોને અટકાવવામાં મદદ મળી શકે છે. સ્થાનિકોએ જીલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી વિસ્તારની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી યોગ્ય નિર્ણય લેવા માંગણી કરી છે.

મંદિર નજીક મળેલા હાડકાં, મિલ્કત વ્યવહારો અંગેની ચર્ચાઓ અને માસ-મટનના કચરાના પરિવહન જેવા મુદ્દાઓને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક લોકો દ્વારા તમામ મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ આ મામલે શું પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાયેલી છે.