દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની ચાકલીયા પોલીસ મથકની અચાનક મુલાકાત

-કાયદો-વ્યવસ્થાની સમીક્ષા સાથે જનતાલક્ષી પોલીસિંગ પર ભાર, અધિકારીઓને આપ્યું માર્ગદર્શન.

દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ચાકલીયા પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પોલીસ મથકની વિવિધ શાખાઓ, ગુનાહિત પ્રવૃત્તિઓની સ્થિતિ, નોંધપોથીની જાળવણી તેમજ કાયદો અને વ્યવસ્થાને લગતી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

પોલીસ અધિક્ષકે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી વર્તમાન કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે જનતાલક્ષી, પારદર્શક અને અસરકારક પોલીસ કામગીરી માટે જ‚રી માર્ગદર્શન આપતાં પોલીસ કર્મચારીઓને નાગરિકો સાથે સંવેદનશીલ અને જવાબદાર અભિગમ અપનાવવાની સૂચના આપી હતી.

ખાસ કરીને પોલીસ મથકમાં વિવિધ અરજીઓ અને ફરિયાદો લઈને આવતા અરજદારોને ઝડપી, નિષ્પક્ષ અને સંતોષકારક ન્યાય મળે તે માટે ફરિયાદોના સમયસર નિકાલ અને યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

મુલાકાત દરમિયાન પોલીસ મથકની સ્વચ્છતા, રેકોર્ડ મેન્ટેનન્સ, દસ્તાવેજોની જાળવણી, સ્ટાફની કાર્યપદ્ધતિ તેમજ સુરક્ષા વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે પોલીસ સ્ટેશનના સંચાલનમાં વધુ કાર્યક્ષમતા લાવવા અને શિસ્તબદ્ધ કામગીરી જાળવવા જ‚રી સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત જીલ્લામાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્ર્વાસ અને સુરક્ષાની ભાવના વધે તે માટે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ, પોલીસ સ્ટાફ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા પોલીસ વડાની આ મુલાકાતથી પોલીસ મથકની કામગીરીમાં વધુ ગુણવત્તા અને જવાબદારી વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.