ઝાલોદ 130 વિધાનસભામાં વિકાસનો નવો અધ્યાય

ધારાસભ્ય દ્વારા 10 કરોડથી વધુના રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

ઝાલોદ 130 વિધાનસભા ક્ષેત્રના ગરાડુ, ગામડી, બંબેલા, મહુડી તેમજ ફુલપુરા ગામોને મોટા પ્રમાણમાં રાહત આપતા મુખ્ય માર્ગોના વિકાસ માટે ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા રૂ. 10 કરોડ 33 લાખ 33 હજારથી વધુના અંદાજીત ખર્ચે 24 કિમીથી વિશેષ રોડ માર્ગોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સંપન્ન કરાયા.

રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા આ ગામોમાં વર્ષોથી રસ્તા અંગે માંગ ઉઠી રહી હતી. હવે આ માર્ગોના વિકાસ કામો શરૂ થતા શાળા જતા વિદ્યાર્થીઓ, રોજગાર કે કામકાજ માટે શહેર સુધી જવાતા ગ્રામજનો તેમજ રોજિંદી મુસાફરી કરતા દરેક નાગરિકને સીધી સુવિધા મળશે. આવનજાવનમાં સરળતા વધશે અને ગ્રામવિકાસને વધુ ગતિ મળશે.

ગ્રામજનોમાં જોવા મળેલી ખુશીના ચહેરાઓએ વિકાસ કાર્યો માટેની તેમની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરી. દરેક ગામના નાગરિકો અને આગેવાનો દ્વારા ધારાસભ્યની આ યોજના અને કાર્યને બિરદાવવામાં આવ્યાં. મહેશ ભૂરીયાએ જણાવ્યું કે

ગ્રામજનોની સુખાકારી અને સગવડો અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ગામડાંઓના પાયાના સુધારણા કાર્યોને વધુ વેગથી આગળ ધપાવીએ છીએ. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યે માર્ગમાં આવેલી સસ્તા અનાજ દુકાનો અને બી.એલ.ઓની કામગીરીની સમીક્ષા કરી તેમની સેવાઓની પ્રશંસા પણ કરી. સાથે જ રોડ માર્ગ પર આવેલી એક શાળાના બાંધકામમાં ગુણવત્તામાં ખામી સામે તેઓએ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ગુણવત્તાસભર કામગીરી કરવા સૂચના આપી.

આ ભૂમિપૂજન કાર્યક્રમોમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર, પૂર્વ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિતાબેન મછાર, તાલુકા સભ્યો, જીલ્લા સભ્યો અને દરેક ગામોના સરપંચો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસ કાર્યોને સમર્થન અને અભિનંદન વ્યક્ત કર્યા.