વિરપુરમાં ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

અધિકારીઓ, આગેવાનો અને વિદ્યાર્થીઓએ સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો.

વિરપુરની સી. એમ. દેસાઈ હાઈસ્કૂલ ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના અધિકારીઓ અને તાલુકા પ્રમુખ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો. ઉપસ્થિતોને યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં તાલુકાના રાજકીય આગેવાનો, વિવિધ શાળાઓના શિક્ષકો, શાળાના સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે. તેમણે વ્યક્તિને સ્વસ્થ, સશક્ત અને સંતુલિત જીવન જીવવા માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની જ‚રિયાત પર ભાર મૂક્યો હતો.

શાળાના શિક્ષકો અને આગેવાનોએ પણ યોગાભ્યાસમાં જોડાઈને સમાજને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને શિસ્તનું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. યોગથી નિરોગી જીવનનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિરપુર તાલુકામાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને યોગને જનઆંદોલન બનાવવાનો સફળ પ્રયાસ કરાયો હતો.