‘વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત મહીસાગર જિલ્લામાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સંપન્ન: ધોરણ ૯ થી ૧૨ના ૪૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું વર્ચ્યુઅલ માર્ગદર્શન

સંકલ્પ સેવા અભિયાન હેઠળ યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ: અભ્યાસ, કારકિર્દી, સ્કીલ ડેવલપમેન્ટ અને માનસિક સ્વાસ્થ્ય અંગે અપાયું તલસ્પર્શી માર્ગદર્શન

ટેલિ-માનસ હેલ્પલાઈન ૧૪૪૧૬, નવી શિક્ષણ નીતિ (NEP) તેમજ ડ્રોન જેવી અદ્યતન ટેકનોલોજી અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત છણાવટ

વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે સંકલ્પ સેવા અભિયાન હેઠળ મહીસાગર જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને યોગ્ય કારકિર્દી ઘડતર અર્થે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ના કુલ ૪૫,૬૭૪ વિદ્યાર્થીઓએ પોતાની શાળામાં ડિજિટલ માધ્યમથી યુટ્યુબ (YouTube) ચેનલ પર જીવંત પ્રસારણ નિહાળીને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો પાસેથી મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમનો શુભારંભ કરાવતા નાયબ શિક્ષણ નિયામકશ્રી કે. એફ. વસાવાએ વિદ્યાર્થીઓને પોતાની આંતરિક શક્તિ, રુચિ અને ક્ષમતાઓને ઓળખીને યોગ્ય લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવા માટે પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું. આ તકે મનોવૈજ્ઞાનિક ડૉ. ચિરાગ પરમારે કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓમાં થતા શારીરિક, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક ફેરફારોની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓમાં જોવા મળતા પરીક્ષાના ડર, અભ્યાસના તણાવ અને મુશ્કેલીઓના નિવારણ માટે જરૂરી ટિપ્સ આપવા સાથે માનસિક સ્વાસ્થ્ય સહાય માટે કાર્યરત રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૧૪૪૧૬ ની ઉપયોગિતા વિશે માહિતગાર કર્યા હતા.

આજના આધુનિક યુગમાં કૌશલ્ય વિકાસના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રિન્સિપાલ OSD ડૉ. સાગર દવેએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત વ્યાવસાયિક શિક્ષણ (Vocational Education) અને ભવિષ્યમાં ઊભરતી કારકિર્દીની નવીન તકો અંગે માહિતી પૂરી પાડી હતી. જ્યારે ગુજરાત કોલેજના ડૉ. મહેશ પટેલે ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવાના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓમાં વૈશ્વિક સ્તરનું જ્ઞાન, નૈતિક મૂલ્યો અને ડ્રોન ટેકનોલોજી જેવા અદ્યતન વિજ્ઞાનથી સજ્જ થવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમના ઉત્તરાર્ધમાં સાયકોલોજી આસિસ્ટન્ટ અને વ્યવસાયિક માર્ગદર્શન નિષ્ણાત ડૉ. જયાબેન ડી. પટેલે ધોરણ ૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ વિવિધ ડિગ્રી-ડિપ્લોમા અભ્યાસક્રમો તથા વિષય પસંદગી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર ડૉ. નિર્મલ પટેલે ધોરણ ૧૨ પછી આર્ટસ અને કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઉચ્ચ શિક્ષણના વિકલ્પો, રોજગારલક્ષી અભ્યાસક્રમો અને સરકારી કલ્યાણકારી યોજનાઓની વિશદ માહિતી રજૂ કરી હતી.

કાર્યક્રમના અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ અનિદ્રા, માનસિક તણાવ અને એકાગ્રતાના અભાવ જેવી સમસ્યાઓ અંગે પૂછેલા પ્રશ્નોનું ડૉ. ચિરાગ પરમાર દ્વારા વૈજ્ઞાનિક અને સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં એકસાથે આયોજિત થયેલો આ ડિજિટલ માર્ગદર્શન સેમિનાર વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને ભાવિ કારકિર્દીના આયોજન માટે અત્યંત સફળ, પ્રેરણાદાયી અને ફળદાયી સાબિત થયો હતો.