નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ), દાહોદના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા સાપુતારા ખાતે શૈક્ષણિક પ્રવાસનું સફળ આયોજન

દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ)ના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં વિષયલક્ષી સમજ, પ્રાયોગિક જ્ઞાન તથા પ્રકૃતિના પ્રત્યક્ષ અભ્યાસને પ્રોત્સાહન મળે તે હેતુથી સાપુતારા ખાતે બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રવાસ દરમિયાન પ્રાણીશાસ્ત્રના વિદ્યાર્થીઓએ સાપુતારાના વિશિષ્ટ પર્વતીય પર્યાવરણ, આબોહવા અને જૈવવિવિધતાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને સ્થાનિક વિસ્તારમાં જોવા મળતી કરોળિયાની વિવિધ પ્રજાતિઓ, પક્ષીઓ તથા અન્ય વન્યજીવોના આવાસ, તેમનું વર્તન અને પર્યાવરણ સાથેના તેમના પરસ્પર સંબંધોનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. આ અનુભવથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને કુદરતી પર્યાવરણ સાથે સાંકળવાની ઉત્તમ તક મળી હતી.

વિદ્યાર્થીઓએ સાપુતારા લેક, ગીરા ધોધ, ગવર્નર હિલ, સનસેટ પોઇન્ટ તથા રોઝ ગાર્ડન જેવા વિવિધ પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. ગીરા ધોધ અને સાપુતારા લેક વિસ્તારમાં જળ-પર્યાવરણ અને તેની આસપાસની જૈવવિવિધતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જ્યારે રોઝ ગાર્ડન ખાતે વનસ્પતિઓ અને પુષ્પોના વૈવિધ્યનો પરિચય મેળવ્યો હતો.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ટ્રેકિંગ જેવી સાહસિક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્વતીય ભૂપ્રદેશ અને કુદરતી આવાસનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું. જેનાથી તેમનામાં પર્યાવરણ સંરક્ષણની ભાવના અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા વધુ સુદઢ બની હતી. સાપુતારા અને ડાંગ વિસ્તારની પ્રાકૃતિક વિશેષતાઓ સાથે સ્થાનિક જનજીવન અને સંસ્કૃતિનો પણ વિદ્યાર્થીઓએ પરિચય મેળવ્યો હતો.

સમગ્ર શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ ટીમવર્ક, પરસ્પર સહકાર અને અવલોકનશક્તિનો વિકાસ કર્યો હતો. માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતો સીમિત ન રહેતા, આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે એક સર્વાંગી, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક અનુભવ બની રહ્યો હતો

આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન ધ્રુવી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસન્ના સંગાડા અને પ્રેઝી મેકવાન દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. વિભાગના વડા એ. એન. ચૌહાણ શારીરિક શિક્ષણ અધ્યાપક ડો. વી. જે. ચૌહાણના સહકારથી અને કોલેજના કાર્યકારી આચાર્ય ડો. જી. જે. ખરાદીના માર્ગદર્શન હેઠળ પ્રવાસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું