દાહોદ જિલ્લામાં જુન મહિનાના અંત સુધી પણ પુરતો વરસાદ ન થતાં ઉભી થયેલી અસહ્ય ગરમી અને પીવાના પાણીની અછતને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સુરતાનસિંહ જે.કટારા અને મહામંત્રી મહેન્દ્રસિંહ એ.લવાણા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, જિલ્લામાં અત્યારે ભારે ગરમીના કારણે બાળકોને લુ લાગવી તેમજ અન્ય બિમારીઓ થવાનો ભય સતાવી રહ્યો છે. શાળાઓનો નિયમિત સમય બપોરના ૧૦.૩૦ થી સાંજના ૫.૦૦ વાગ્યાનો છે. પરંતુ જયાં સુધી ખેતીલાયક પુરતો વરસાદ ન પડે ત્યાં સુધી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારના ૭.૦૦ થી બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધીનો રાખી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાકિદે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી કરાઈ છે.