
ગુજરાત હાઈકોર્ટે આજે ૧૭મી ડિસેમ્બરે રાજ્યની વકફ મિલક્તોના સંચાલન અને કાનૂની વિવાદોને લઈને એક અત્યંત મહત્વનો અને દૂરોગામી ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હવેથી નાની દરગાહ હોય કે મોટી મસ્જિદ, તેના સંચાલકોએ કાનૂની વિવાદોમાં અન્ય વાદીઓની જેમ જ કોર્ટ ફી ફરજીયાત પણે ચૂકવવી જ પડશે. આ ચુકાદા સાથે જ વકફ મિલક્તોને મળતી ’ફ્રી રાઈડ’ પર રોક લગાવી દેવામાં આવી છે.
કોઈપણ મુસ્લિમ વ્યક્તિ પોતાની જંગમ કે સ્થાવર મિલક્ત કાયમી ધોરણે ધામક કે પરોપકારી કાર્યો માટે અર્પણ કરે, તેને વકફ મિલક્ત કહેવાય છે. તેમાં ખાસ કરીને મસ્જિદો, ઈદગાહ, દરગાહ અને મઝાર જેવી ધામક, તથા મદરેસા, મુસાફરખાના અને યતીમખાના જેવી ધામક શિક્ષણ આપતી શાળાઓ તથા કબ્રસ્તાન જેવી મિકલતોનો સમાવેશ થાય છે. જેને જે-તે માહિકીની વ્યક્તિએ કાયમી ધોરણે દાનમાં આપી હોય છે અને જે બિન-વેચાણપાત્ર હોય છે.
આ વકફ એક્ટ હેઠળ આવતી મોટાભાગની સંપતિઓ અંગે હાલ કોઈને કોઈ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. જોકે અત્યાર સુધી વકફ એક્ટમાં સ્પષ્ટતાના અભાવે વકફ ટ્રિબ્યુનલમાં ચાલતા કેસોમાં કોઈ કોર્ટ ફી વસૂલવામાં આવતી નહોતી. જ્યારે અન્ય તમામ ધામક કે સામાજિક ટ્રિબ્યુનલોમાં કેસ લડવા માટે ફી લેવામાં આવતી હતી. જેથી આ વકફ મિલક્તો સાથે જોડાયેલા કેસો અંગે ગુજરાત હાઈકોર્ટે આજે આ મોટો ચૂકાદો આપ્યો છે અને આ મિકલતોનું સંચાલન કરતા સંચાલકોને સ્પષ્ટ કહી દીધું છે કે, ’કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. જેથી નાની દરગાહથી માંડી મોટી મસ્જિદોના સંચાલકોએ હવેથી કોર્ટ ફી ભરવી પડશે.’
નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટના આજના આ મહત્વપૂર્ણ ચૂકાદાથી ૧૫૦થી પણ વધુ પડતર કેસોનો નિકાલ થયો છે, ત્યારે આગામી સમયમાં પણ હાઈકોર્ટના આ નિર્ણયની અસર રાજ્યભરમાં ચાલતા વકફ મિલક્ત સાથે જોડાયેલા અનેક કેસો પર થશે અને તમામને વકફની પ્રોપર્ટીના કેસમાં નિયત ફી ભરવી અનિવાર્ય રહેશે.
હાલ ગુજરાત હાઇકોર્ટના વકફ અંગેના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાચા અર્થમાં બધા લોકો એક સમાન, તમામ સમાજ એક સરખા એ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.
વકફ સંપત્તિઓના વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. જે અનુસાર નાની દરગાહથી માંડી મોટી મસ્જિદોના સંચાલકોએ હવેથી કોર્ટ ફી ભરવી પડશે, કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી તેવી હાઈકોર્ટે સ્પષ્ટ ટિપ્પણ કરી છે.