રાજકોટમાં શિક્ષણનું ધામ કલંક્તિ! યુનિવસટી પોલીસ સ્ટેશનની બાજુમાં જ દારૂની બોટલોનો ઢગલો

થોડા દિવસ પહેલાં રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખખડધજ હાલતમાં પડેલી એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી, ત્યારે આવો જ એક વધુ કિસ્સો હાલ રાજકોટ શહેરના યુનિવસટી કેમ્પસ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં યુનિવસટી કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવસટી પોલીસ સ્ટેશનની દીવાલ પાછળથી સાત ખાલી દારૂની બોટલો મળી આવતાં અનેક ગંભીર પ્રશ્ર્નો ઊભા થયા છે.

રાજકોટમાં શિક્ષણના ધામ તરીકે ઓળખાતા યુનિવસટી કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવસટી પોલીસ સ્ટેશનની દીવાલ પાછળથી સાત ખાલી દારૂની બોટલો મળી આવી છે. આ યુનિવસટી કેમ્પસમાં રાત્રિના આઠ વાગ્યા બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે કડક વ્યવસ્થાઓ હોવા છતાં કેમ્પસની અંદરથી દારૂની ખાલી બોટલો મળવી એ આશ્ર્ચર્યજનક છે.

ખાસ કરીને યુનિવસટી પોલીસ સ્ટેશનની દીવાલને અડીને જ બોટલો મળી આવતાં, પોલીસની દેખરેખ અને પેટ્રોલિંગ અંગે પણ ગંભીર શંકાઓ વ્યક્ત થઈ રહી છે. કેમ્પસમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડની હાજરી હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી તે સુરક્ષા વ્યવસ્થાને ‘શોભાના ગાંઠિયા’ સમાન બનાવી રહી છે. જેથી આવી પ્રવૃત્તિઓ કેવી રીતે અને કોની નજર હેઠળ ચાલી રહી છે, તે બાબતે તંત્રની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુનિવસટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેમ છતાં, જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ખાસ કરીને સુરક્ષા માટે વાષક અંદાજે એક કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં આવી પ્રવૃત્તિઓ અટકાવી ન શકાય, તે બાબત ચિંતાજનક છે.

હવે પ્રશ્ર્ન એ છે કે યુનિવસટી પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચાલતી દારૂની મહેફિલથી શું પોલીસ ખરેખર અજાણ છે, કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? ત્યારે હવે જોવાનું એ છે કે આ ઘટનાને લઈને યુનિવસટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને શિક્ષણના ધામની પવિત્રતા જાળવવા માટે કેટલી ગંભીરતા દાખવવામાં આવે છે.