
શહેરમાં જમીન સોદાના નામે થયેલી એક મોટાપાયે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. સિટીલાઈટ વિસ્તારમાં રહેતી અંજનાબેન કાંતિલાલ શાહ નામની વૃદ્ધા સાથે જમીનના સોદા પેટે રૂ. ૫૯.૬૧ કરોડની છેતરપિંડી આચરવા બદલ સંજય અધેરા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. લોભામણી વાતો કરી ૫૯.૬૧ કરોડનો સોદો કરાવાયો. મળતી માહિતી મુજબ અંજનાબેનની સુરત જિલ્લાના ચોર્યાસી સબ-ડિસ્ટ્રીક્ટ મોજે આભવા ખાતે રે.સ.નં.-૫૦૯, હિસ્સા નં-૧૨ નંબરની કિંમતી જમીન આવેલી છે. આ જમીન અંગે સંજય અધેરાએ વૃદ્ધાને લોભામણી વાતો કરી, અને જમીનની કુલ કિંમત રૂ. ૫૯,૬૧,૦૦,૦૦૦ નક્કી કરીને વેચાણ સોદો કરાવ્યો હતો. સાથે જ ૨૧ હજાર રૂપિયા પણ આપ્યા હતા.
સોદા પેટે ચૂકવવાના કરોડો રૂપિયા આપવા બદલે આરોપીએ માત્ર રૂ. ૨૧ હજાર આપી, જમીન પર કબજો કરવાની ચાલ ચલાવી હતી. તપાસ મુજબ સંજય અધેરાએ ગત તા. ૧ મે ૨૦૨૫ના રોજ રૂ. ૭.૧૧ લાખનો સાટાખત અને કબજા કરાર બનાવી લીધો હતો. કરાર થતા જ આરોપી ગાયબ થઈ ગયો કે તેનો ફોન પણ બંધ આવવા લાગ્યો.
વૃદ્ધાએ પૈસાની માંગણી કરી ત્યારે સંજય અધેરાએ તેમને “જે થાય તે કરી દેજે” એવી ધમકી આપી વધુ ત્રાસ આપ્યો હતો. બાદમાં સંપર્ક થતા સંજય અધેરા સતત નવા નવા બહાના બનાવતો અને પૈસા ચૂકવતો નહોતો. લાંબા સમયથી ચાલતા આ છેતરપિંડી કેસમાં અંતે અંજનાબેન કાંતિલાલ શાહે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સમગ્ર સોદા સંબંધિત દસ્તાવેજો, કબજા કરાર તથા ચુકવણીના પુરાવા પ્રાપ્ત થતા પોલીસે સંજય અધેરાની ધરપકડ કરી આગળની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સંજય અધેરાએ બહેતર કાગળપત્રો અને આકર્ષક વચનો દ્વારા વૃદ્ધા પાસે ૫૯.૬૧ કરોડની જમીનના માત્ર ૨૧ હજાર રૂપિયામાં પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર સોદા પાછળ સંજય અધેરાની સુયોજિત યોજના હોવાનું પોલીસે જણાવ્યું છે, કે સંદેહિત વ્યવહાર અને કરારની પ્રક્રિયા જોતા પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ ગોટાળા પાછળ વધુ લોકો સામેલ હોઈ શકે છે. પોલીસ હવે આરોપીની કોલ ડિટેલ, નાણાકીય લેવડદેવડ અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે.