સુરતમાં કીત પટેલ વિરુદ્ધ ફરી એક ગંભીર ફરિયાદ નોંધાઈ, લસ્કાણા પોલીસે ગુનો દાખલ કર્યો

વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા એક્ટ હેઠળ બંધ કીત પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના લસ્કાણા પોલીસ સ્ટેશનમાં તેમની સામે મંગળવારે નવો ગુનો નોંધાઈ ગયો છે. આ ફરિયાદમાં તેમના પર ફરિયાદીને જાહેરમાં અપશબ્દો બોલવા, ધમકી આપવી અને જાણીજોઈને બદનામ કરવાના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, કીત પટેલે સોશિયલ મીડિયા તથા અન્ય માયમોથી ફરિયાદી વેપારી અલ્પેશ ડોંડાની ઈજ્જતને ઠેસ પહોંચાડે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને જાહેરમાં ગાળો ભાંડી હતી. આ ઘટના બાદ ફરિયાદીએ તાત્કાલિક લસ્કાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આઇપીસીની કલમ ૨૯૪ (બ), ૫૦૬(૨), ૫૦૭ અને ૫૦૯ તેમજ આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પહેલીવાર નથી જ્યારે કીત પટેલ વિરુદ્ધ આવી ફરિયાદ નોંધાઈ હોય. અગાઉ સુરતના વરાછા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ તેમની સામે સમાન પ્રકારના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અન્ય ઘણા લોકો પણ તેમની સામે ખાનગીમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

હાલ કીત પટેલને પાસા એક્ટ હેઠળ ડિટેઈન કરવામાં આવ્યા છે અને તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જોકે જેલમાં બંધ હોવા છતાં પણ તેમની વિરુદ્ધ નવા ગુનાઓ નોંધાતા રહેવાથી પોલીસ અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.