શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ‘ઋણ સ્વીકાર તથા અભિવાદન સમારંભ’યોજાયો 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ-ગોધરા દ્વારા યુનિવર્સિટીના વિવિધ મંડળોના સભ્યશ્રીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી  ખાતે ઋણ સ્વીકાર તથા અભિવાદન સમારંભ’  યોજાઈ ગયો.  સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિ.ના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરિયાના માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં મુખ્યત્વે યુનિવર્સિટીના વિકાસ અને શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર એકેડેમિક કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓનું  કુલપતિના હસ્તે શાલ ઓઢાડીને તથા સ્મૃતિચિહ્ન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિવિધ મંડળોના સભ્યોએ યુનિ.ના વિકાસલક્ષી અનુભવો વિશે પોતાના હકારાત્મક પ્રતિભાવો રજૂ કર્યા હતા. 

અધ્યક્ષીય પ્રવચનમાં કુલપતિ પ્રો.ડૉ. હરિભાઈ કાતરિયાએ યુનિવર્સિટીની શૈક્ષણિક યાત્રામાં તમામ બોર્ડના સભ્યો તરફથી મળેલા સતત સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ગરિમાપૂર્ણ સમારંભની આભારવિધિ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અનિલ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.