શહેરા તાલુકાના આદિવાસી ગામોમાં શિક્ષણ અને કનેક્ટિવિટીના અભાવે રોષ

શહેરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલ શહેરા તાલુકાના બોરીયા વિસ્તારના કોઠા, બલુજીના મુવાડા, આસુંદરીયા જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોની પ્રજા આજેપણ ડિજિટલ યુગમાં મોબાઈલ ટાવરોના અભાવે ૧૬મી સદીમાં પોતાની જીવન વ્યતિત કરી રહ્યા છે. ૧૦૦ ટકા આદિવાસી બાહુલ્ય ધરાવતા પાનમ ડેમ નજીક આવેલ કોઠા ગામે માધ્યમિક શાળા તો ઠીક પરંતુ પ્રાથમિક શાળાના પણ ઠેકાણા નથી. અહિંયા ૮ શિક્ષકો અને ૨૦૦ ઉપરાંત બાળકોની સંખ્યા સામે કુલ ૮ ઓરડા આવેલા છે. જે પૈકી ૫ ઓરડાઓ અત્યંત જર્જરિત અને ઉપયોગમાં ન લઈ શકાય તેવા નળિયાવાળા અને પતરાવાળા છે. જે પૈકી બે ઓરડાઓ તો વર્ષોથી નવીન ફાળવવામાં આવ્યા નથી. બે ઓરડા સિન્ટેકસના છે. સદર ઓરડાઓને બાદ કરી નવા ઓરડાઓ તાત્કાલિક ફાળવવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કોઠા દ્વારા માંગ કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં માધ્યમિક શાળાના અભાવે બાળકો પગ ચાલીને ૫ કિ.મી.કરતા પણ વધુ આવેલી શાળામાં અભ્યાસ અર્થે જઈ રહ્યા છે. આમ સતત ઉપેક્ષા પામેલા આ વિસ્તારના નાગરિકો શિક્ષણની યોગ્ય સુવિધા ન મળવાના કારણે રોષ ફેલાયો છે.