
શહેરા તાલુકાના વાડી ગામની પ્રાથમિક શાળાના પાસે ગંદા પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર ભરાયેલા ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સમગ્ર ગામમાં ત્વરિત દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા હતા.
શહેરા તાલુકાના વાડી ગામની પ્રાથમિક શાળા પાસે જ લાંબા સમયથી ગંદા પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા જોવા મળી હતી. શાળાની નજીકમાં ગંદા પાણીના ભરાવાના કારણે અભ્યાસ અર્થે આવતા નાના-મોટા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદી અવરજવર કરતા ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર સતત ભરાઈ રહેતા આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાવા સાથે મચ્છરોનો ઉપદ્રવ અત્યંત વધી ગયો છે. હાલમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પૂરતી શક્યતાઓ સેવાઈ રહી છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થાય તેવી શક્યતાઓને પણ ન કરી શકાય તેમ નથી. જોકે આ શાળાના સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સભ્ય તુષાર માછીએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને રજૂઆતો પણ કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા આજદિન સુધી આ સમસ્યાના કાયમી નિકાલ માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ સમસ્યા હલ નહી થાયતો આગામી દિવસોમાં વાલીઓ ને સાથે રાખીને અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું અને ગામમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ત્યારે દવાનો છંટકાવ કરવામાં આવે તેવી મારા સહિતના ગ્રામજનોની માંગ છે. ફળિયામાં અમુક ગ્રામજન પોતાના ઘર વપરાશનું પાણી રસ્તા પર નિકાલ કરતા હોવાના કારણે પણ ગંદકી થતી હોય ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે કાર્યવાહી કરવા માટે શુભ મુહૂર્તની રાહ દેખતા હોય એવું લાગી રહ્યું છે. શાળા આગળથી ગંદા પાણીના નિકાલની ત્વરિત વ્યવસ્થા કરવામાં આવે અને મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે સમગ્ર વાડી ગામમાં સબંધીત વિભાગ દ્વારા દવાનો છંટકાવ તેમજ કલોરીનેશનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા હતા.