શહેરાના રાજકારણમાં ગરમાવો: મંગલીયાણા જીલ્લા પંચાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

શહેરામાં કોંગ્રેસનો આત્મઘાતી વળાંક: મંગલીયાણા બેઠક પર લડ્યા વિના જ ભાજપનો વિજય.

શહેરા તાલુકાના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને મંગલીયાણા જીલ્લા પંચાયત બેઠક પર ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે. આ બેઠક પર ભાજપના યુવા ઉમેદવાર રાકેશ પર્વતસિંહ ચૌહાણ બિનહરીફ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ મેદાન છોડી દેતા રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

શહેરામાં ભાજપ એ આ વખતે મંગલીયાણા બેઠક પર પરિવર્તનનો પવન ફૂંકતા ૩૧ વર્ષીય રાકેશ પર્વતસિંહ ચૌહાણને પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. એક યુવા અને ઉત્સાહી ચહેરાને ટિકિટ આપીને ભાજપે મતદારોમાં નવો જોમ પૂરવાનો પ્રયાસ કર્યો હતો. રાકેશ ચૌહાણની પસંદગી પાછળ પક્ષનો હેતુ સ્થાનિક સ્તરે યુવા નેતૃત્વને મજબૂત કરવાનો હતો.મંગલીયાણા બેઠક પર કોંગ્રેસે જીતની મક્કમ આશા સાથે ભૂપતસિંહ પરમારને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. શ‚આતમાં એવું લાગતું હતું કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. પરંતુ, આશ્ચર્યજનક રીતે કોંગ્રેસના ઉમેદવાર ભૂપતસિંહ પરમારે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા સમગ્ર સમીકરણો બદલાઈ ગયા હતા. કોંગ્રેસના ઉમેદવારે કયા કારણોસર ફોર્મ પરત ખેંચ્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ તાલુકા પંથકમાં આ મુદ્દો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શું આ કોઈ આંતરિક સમજૂતી હતી કે પછી પક્ષની નબળી પકડ? તેવા અનેક સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા હતા.તાલુકામાં કોંગ્રેસ જાણે અદ્રશ્ય થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મંગલીયાણા જેવી મહત્વની બેઠક પર લડત આપવાને બદલે શરણાગતિ સ્વીકારી લેતા કોંગ્રેસના કાર્યકરોમાં પણ નિરાશા જોવા મળી રહી હતી. આ બેઠક બિનહરીફ થતા હવે ભાજપનો કેસરિયો શાનથી લહેરાઈ રહ્યો છે.રાકેશ ચૌહાણ બિનહરીફ વિજેતા જાહેર થતા જ તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી આ જીતને વધાવી લેવામાં આવી હતી.. “ભારત માતા કી જય” અને ભાજપના નારાઓ સાથે રાકેશ ચૌહાણે આ જીતનો શ્રેય પક્ષના નેતૃત્વ અને કાર્યકરોની મહેનતને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “પક્ષે મારા જેવા સામાન્ય યુવા કાર્યકર પર જે વિશ્ર્વાસ મૂક્યો છે, તે બદલ હું આભારી છું અને મંગલીયાણા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા રાત-દિવસ કામ કરીશ.” બિનહરીફ જાહેર થયા બાદ રાકેશ ચૌહાણના ચહેરા પર જે તેજ અને આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો હતો, તે સાબિત કરે છે કે ભાજપની રણનીતિ સામે વિપક્ષ સાવ પાંગળો સાબિત થયો છે. તેમના સમર્થકોએ તેમને ખભે બેસાડીને વિજય સરઘસ કાઢ્યું હતું, જેમાં રાકેશ ચૌહાણના હસતા ચહેરાએ શહેરાના રાજકારણમાં નવા યુગના મંડાણનો સંકેત આપ્યો હતો.