
શહેરના પોશ સેટેલાઇટ વિસ્તારમાં વહેલી સવારે વૃદ્ધ મહિલા સાથે ચેન સ્નેચિંગની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. એકટીવા પર આવેલા અજાણ્યા શખ્સે મારુતિ વાનમાં બેઠેલી ૭૬ વર્ષીય મહિલાના ગળામાંથી સોનાની ચેન અને પેન્ડલ આંચકી લીધા હતા. બંને દાગીનાની કુલ કિંમત આશરે ૪.૨૦ લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં ૭૬ વર્ષીય મીતાબેન ઓઝા ૬ સપ્ટેમ્બરની સવારે પોતાની મારુતિ વાન લઈને શેરીના શ્વાનોને ખવડાવવા માટે નીકળ્યાં હતાં. રણુજાનગર નજીક એક બંગલાની બહાર તેમણે પોતાની વાન ઊભી રાખી હતી. મીતાબેન વાનમાં બેસીને શ્વાનોને બોલાવી રહ્યાં હતાં.
આ દરમિયાન એકટીવા પર એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો. આરોપ છે કે એકટીવા સવાર શખ્સે તક જોઈને વાનની ડ્રાઇવર સાઇડની બારીમાંથી હાથ અંદર નાખ્યો અને મીતાબેનના ગળામાં પહેરેલી સોનાની ચેન તથા પેન્ડલ જોરથી ખેંચી લીધાં હતાં. દાગીના આંચકીને આરોપી તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
દાગીના આંચકી આરોપી ભાગવા લાગતાં મીતાબેને હિંમત બતાવી હતી. તેમણે પોતાની વાનમાં બેસીને એકટીવા સવારનો પીછો શરૂ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે, મીતાબેને સેટેલાઇટ ટાવરથી પ્રેમચંદ નગર રોડ સુધી આરોપીનો પીછો કર્યો હતો. જોકે, એકટીવા સવાર ઝડપથી વાહન હંકારીને આગળ નીકળી ગયો હતો અને આખરે વૃદ્ધ મહિલાની નજરથી દૂર થઈ ફરાર થવામાં સફળ રહ્યો હતો.
ઘટના બાદ મીતાબેન ઓઝાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની ઓળખ મેળવવા માટે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આરોપી કયા માર્ગે ફરાર થયો અને તેની એકટીવા નો નંબર કે અન્ય કોઈ ઓળખ મળી શકે છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
પોશ વિસ્તારમાં વહેલી સવારે બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ઊભી કરી છે. ખાસ કરીને એકલા બહાર નીકળતા વૃદ્ધ નાગરિકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.