સરકારી કચેરી પણ ન છોડી! કલેક્ટરના નામે બનાવટી સીલ-સિક્કા મારી લોન મેળવવાનો કારસો નિષ્ફળ

ગરબાડા તાલુકાના માતવા ગામના તળાવ ફળિયામાં રહેતા મહેશકુમાર યુનિયાભાઈ મીનામા નામના શખ્સે પોતાના મકાન અને દુકાનના બાંધકામ માટે આર્થિક લાભ મેળવવા તથા ફાઇનાન્સ કંપનીમાંથી લોન મંજૂર કરાવવાના ઇરાદાથી ગોધરા કલેક્ટર કચેરીના નામે બોગસ પ્રમાણપત્ર બનાવડાવી તેનો અસલ તરીકે ઉપયોગ કરી ગુનાહિત કારસો રચ્યો હોવાનો પર્દાફાશ થયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીએ એજન્ટ મનોજભાઈ મોહનભાઈ પરમાર (રહે. મોરીઝાણા) મારફતે ‘શ્રીસાઈ એસોસિએટ્સ’ ખાતેથી લોન મેળવવા માટે ફાઈલ તૈયાર કરાવી હતી. આ ફાઈલમાં ‘CID, GODHARA JILLA SEVA SADAN COLLECTOR KACHERI COMPAUND, SECOND FLOOR GODHARA’ ના સરનામાવાળું “TO WHOM IT MAY CONCERN” લખેલું એક પ્રમાણપત્ર જોડેલું હતું. આ પ્રમાણપત્ર સરકારી કચેરીની કોઈ જાવક નોંધણી કે અસલ સીલ-સિક્કા વગરનું સંપૂર્ણપણે બનાવટી હોવાનું સામે આવ્યું હતું.

દાહોદ LCB પોલીસને સિસ્ટર એજન્સી તરફથી મળેલી ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલી ત્વરિત તપાસમાં આ સમગ્ર લોન કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી અગાઉ લીમડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પણ સંડોવાયેલો હતો.

આ બનાવ અંગે દાહોદ LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી. પરમારે સરકાર તરફથી ફરિયાદી બની આરોપી મહેશકુમાર યુનિયાભાઈ મીનામા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૩૬, ૩૩૬(૩) તથા ૩૪૦(૨) મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરાવ્યો છે. આ કેસ સંબંધિત આગળની વધુ તપાસ દાહોદ એલસીબી ચલાવી રહી છે.