દિવાળીના તહેવાર માટે ફટાકડાના હંગામી વેચાણ અને સંગ્રહના પરવાના મેળવવા અરજીઓ આવકાર્ય

અરજી કરવાની છેલ્લી તારીખ ૦૯ ઓક્ટોબર ૨૦૨૬: નિયત નમૂનામાં ૩ નકલોમાં અરજી કરવાની રહેશે

માહે નવેમ્બર-૨૦૨૬માં આવતા આસો/કાર્તિકી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને શહેરા અને મોરવા (હડફ) તાલુકા વિસ્તારમાં ફટાકડાના હંગામી સંગ્રહ તથા વેચાણનો પરવાનો મેળવવા માંગતા વેપારીઓ અને અરજદારો પાસેથી નિયત નમૂનાના અરજી ફોર્મ (એ.ઈ.-૫)માં અરજીઓ મંગાવવામાં આવી છે.

પરવાનો મેળવવા ઈચ્છુક અરજદારોએ તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) તમામ જરૂરી આધાર-પુરાવા સાથે અરજી ફોર્મ રૂા. ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડીને ૩ (ત્રણ) નકલોમાં સંબંધિત કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.

અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવા:

ચલણ: સરકારી સદર “૦૦૭૦-૬૦-૧૦૩-૦૦” (O.A.S.) હેઠળ તપાસણી ફી રૂા. ૩૦૦/- અને પરવાના ફી રૂા. ૬૦૦/- મળી કુલ રૂા. ૯૦૦/- જમા કરાવ્યાનું અસલ ચલણ.

નકશો: સૂચિત સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલી અન્ય દુકાનો, શાળા, હોસ્પિટલ, પેટ્રોલ પંપ કે જ્વલનશીલ ગોડાઉન દર્શાવતો એપ્રુવ્ડ નકશો.

 ઓળખ તથા જગ્યાના પુરાવા: ૨ પાસપોર્ટ સાઈઝ ફોટા, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડની સ્વપ્રમાણિત નકલ, જગ્યાની માલિકીનો પુરાવો અથવા ભાડા-કરાર તેમજ મકાનમાલિકનું સંમતિ એફિડેવિટ.

NOC અને અન્ય પ્રમાણપત્ર: સ્થાનિક નગરપાલિકા/ગ્રામ પંચાયતનું “ના વાંધા પ્રમાણપત્ર” (NOC), સ્થાનિક સંસ્થાનું સરકારી વસુલાત બાકી ન હોવાનું પ્રમાણપત્ર તેમજ ગત વર્ષના પરવાનાની નકલ (જો ઉપલબ્ધ હોય તો).

ફાયર સેફ્ટી: સરકારી નિયમોનુસાર નિર્ધારિત ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા વેપારીઓએ વ્યક્તિગત અથવા સંગઠિત ધોરણે જાતે કરવાની રહેશે. ૫૦૦ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતી દુકાન માટે રીજીયોનલ ફાયર ઓફિસર, વડોદરાનું NOC રજૂ કરવું ફરજિયાત છે.

અત્રે ઉલ્લેખનીય છેકે,એક અરજદાર એકથી વધુ પરવાના માટે અરજી કરી શકશે નહીં. તા. ૦૯/૧૦/૨૦૨૬ બાદ મળેલ અથવા અધૂરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સંબંધિત તમામ અરજદારોએ નોંધ લેવી.