સંખેડાના બહાદરપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રોડ રિપેરિંગ માટે ખોદાયેલા ખાડાનું પૂરાણ ન થતાં અકસ્માતનો ભય

બહાદરપુરથી સંખેડા જતા માર્ગ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક ગ્રામ પંચાયત દ્વારા ખોદવામાં આવેલો એક ખાડો લાંબા સમયથી ખુલ્લો પડ્યો છે, જે સ્થાનિકો માટે જોખમી બન્યો છે.

આ ખાડો રોડની બાજુમાં પાણી લીકેજ થતા તેને રીપેર કરવા માટે ખોદવામાં આવ્યો હતો. જોકે, ઘણા મહિનાઓ વીતી ગયા હોવા છતાં તેનું પુરાણ કરવામાં આવ્યું નથી. અગાઉ, રાજકીય નેતાઓ દ્વારા બહાદરપુર ત્રણ રસ્તાથી સ્વામિનારાયણ મંદિર ટાવર અને ફાટક સુધી રૂા.30 થી 35 લાખના ખર્ચે નવો આરસીસી રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ચોમાસું પૂરૂં થયાને ઘણો સમય વીતી ગયો છે, તેમ છતાં આ રોડનું કામ શરૂ થયું નથી. પરિણામે, ખોદવામાં આવેલો ખાડો યથાવત રહેતા નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો દ્વારા પંચાયતને આ જોખમી ખાડો વહેલી તકે પૂરી દેવા અને જાહેર કરાયેલા રોડનું કામ ઝડપથી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે, જેથી અકસ્માતો ટાળી શકાય.