સંખેડાના હાંડોદના ડે.સરપંચે સ્વખર્ચે રૂા.3.5 લાખનો આર.સી.સી. રોડ બનાવ્યો

સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં ડેપ્યુટી સરપંચ વિશાલભાઈ પટેલે પોતાના સ્વખર્ચે 165 મીટર લાંબો આરસીસી રોડ બનાવ્યો છે. આ રોડની અંદાજીત કિંમત રૂપિયા 3.5 લાખ છે. આ વિકાસ કાર્ય માટે ગ્રામજનોએ વિશાલભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ રોડનું નિર્માણ 12 ડિસેમ્બર, શુક્રવારના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્ય ગેટથી શરૂ થયેલો આ રસ્તો અગાઉ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો. લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને આ રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી લોકોને અવરજવરમાં સરળતા રહે. રોડ નિર્માણ ઉપરાંત, હાંડોદ ગ્રામ પંચાયત, સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોના સહયોગથી ગામમાં દર મંગળવારે હાટ બજારનું આયોજન કરવામાં આવે છે. આ હાટ બજાર મેવાસ વિસ્તારનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે.

આ બજારમાં દૂર દૂરથી લોકો શાકભાજી અને જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ વેચવા આવે છે અને સારી કમાણી કરી રહ્યા છે. આ હાટ બજાર સ્થાનિક અર્થતંત્રને વેગ આપી રહ્યું છે. મેવાસ વિસ્તારના આ કેન્દ્રને વધુ મજબૂત બનાવવા માટે સરપંચ અને સભ્યો દ્વારા ભવિષ્યમાં વધુ સારી કમાણીની તકો ઊભી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગામના અને મેવાસ વિસ્તારના લોકોએ હાંડોદ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ વિશાલભાઈ પટેલના આ પ્રયાસોની સરાહના કરી છે.