સંજેલી તાલુકાના ખેડુતો હાલમાં ગંભીર ચિંતામાં મુકાયા છે. દર વર્ષે કાલિયા હેર સિંચાઈ તળાવમાંથી શિયાળુ પાક માટે પાણી પુરૂ પાડતી વર્ષો જુની નહેરની સફાઈનુ કામ એવા સમયે હાથ ધર્યુ છે જયારે ખેડુતો વાવણી કરી પાણીની રાહ જોઈ રહ્યા છે. પાણી છોડવાના સમયે જ તંત્રએ નહેરની સફાઈનુ નાટક શરૂ કરતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સંજેલી તાલુકાના કાળિયા, ડોકી, ભમેલા, ટીસાના મુવાડા, સંજેલી, પ્રતપુરા, અને ચમારિયા ગામોમાં ખેડુતોએ ધઉં, મકાઈ, ચણા અને એરંડી જેવા શિયાળુ પાકની વાવણી કરી છે. પરંતુ નહેરમાં પાણી ન આવતા ખેડુતોએ મજબુરી વશ કુવા અને બોરમાંથી મોંઘા ભાવે પાણી મુકવાનુ શરૂ કર્યુ છે. ખેડુતોની મુખ્ય ફરિયાદ છે કે, વર્ષો જુની નહેર ચારેકોર ઝાંખરા અને ગાબડાં પડવાથી જર્જરિત હાલતમાં છે. આથી જયારે પાણી છોડાય ત્યારે કાં તો ગાબડાંમાંથી વહી જાય છે. અથવા તો પાણીની ઓછી સપાટીથી ખેતરો સુધી પહોંચતુ નથી. જેના કારણે શિયાળુ પાબ બગડી જાય છે.