સંજેલીના જુસ્સામાં બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત,હેલ્મેટ હોવા છતાં યુવકનું ઘટના સ્થળે મોત, બે ઇજાગ્રસ્ત

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જુસ્સા ગામે સાંજના સમયે બે મોટરસાયકલ આમને-સામને અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મોટરસાયકલ નં. ૠઉં-૨૦-ઇઋ-૫૯૪૨ ચાલક સામે તરફથી આવી રહેલી મોટરસાયકલ નં. ૠઉં-૩૫-અ-૧૬૩૯ સાથે ટકરાઈ હતી. મૃતક યુવક લિલવાસર ગામનો વતની હતો અને સંજેલીથી પોતાની સાસરી સરસવા જઈ રહ્યો હતો તે દરમિયાન જુસ્સા ગામે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર યુવક સંગાડા નારસિંગભાઈના માથે હેલ્મેટ પહેરેલું હોવા છતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવક સંજેલીના દવાખાને કમ્પાઉન્ડરની નોકરી કરતો હોવાની માહિતી મળી છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.અકસ્માતની જાણ થતાં સંજેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો તથા અકસ્માતનો ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી જુસ્સા અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.