
ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામે જનતાની વચ્ચે, જનતાના દ્વારે અભિગમ સાથે આયોજિત રાત્રી ગ્રામસભા લોકસંવાદ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ તરીકે સામે આવી હતી. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ ગ્રામસભામાં પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ, સહકાર અને પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.
આ કાર્યક્રમમાં ખાખરીયા ગામના સરપંચ શ્રી અંકુર ડામોર, ઘોડીયા ગામના સરપંચ શ્રી અવસર અડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, મામલતદાર શ્રી શૈલેન્દ્ર પરમાર, ડી.વાય.એસ.પી. શ્રી ડી.આર. પટેલ, પી.આઈ. શ્રી સંદીપ વસાવા સહિત પોલીસપ્રશાસનના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે આદિવાસી સંસ્કૃતિ અનુસાર ઘોડીયા ગામના સરપંચ શ્રી અવસર અડ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાને ખભે બેસાડી પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ઢોલ-કુંડીના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરી મહેમાનોને પરંપરાગત બંડી અને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાત્રી ગ્રામસભા દરમિયાન ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો નિર્ભયતાથી રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને નશાની સમસ્યા, નાની-મોટી ચોરી, વ્યાજખોરી, દારૂ-જુગાર, યુવાનોમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ, પોક્સો કાયદાની સમજ તથા સાયબર ક્રાઈમ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાએ તમામ પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળીને સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન અને શક્ય નિરાકરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોલીસ અને જનતા વચ્ચે મજબૂત સંવાદ રહેશે તો સમસ્યાઓ સમયસર સામે આવશે અને સહકારથી તેનો ઉકેલ શક્ય બનશે.
વર્તમાન સમયમાં વધતા સાયબર ફ્રોડને ધ્યાનમાં રાખીને અજાણ્યા કોલ, લિંક અને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. સાથે જ મહિલાઓની સુરક્ષા, મહિલા હેલ્પલાઇન નંબર, પોક્સો અધિનિયમ તેમજ ઓછી ઉંમરે લગ્ન કરવું ગુનો હોવાનું સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું હતું.
પોલીસ પ્રજાનો મિત્ર વિશ્વાસની લાગણી મજબૂત
ટ્રાફિક નિયમોનું પાલન, નશાબંધી અને વ્યસન મુક્તિ અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. પોલીસ અધિક્ષકશ્રીએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને જનસહભાગિતાથી જ ગામમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ શકે છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આવી રાત્રી ગ્રામસભાઓ સામાજિક કુરિવાજો દૂર કરવા, કાયદાકીય સમજ કેળવવા અને પોલીસજનતા વચ્ચેનો અંતર ઘટાડવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.ખાખરીયા ગામે યોજાયેલી આ રાત્રી ગ્રામસભાએ લોકસંવાદ, સહકાર અને સુરક્ષાનો સકારાત્મક સંદેશ આપતા પોલીસ, પ્રશાસન અને ગ્રામજનો વચ્ચે વિશ્વાસનું મજબૂત બંધન રચ્યું હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.