રાજસ્થાનથી દ્વારકા એમડી ડ્રગ્સ સપ્લાય કરતો ‘ડીલર’ અમદાવાદમાં ઝડપાયો,૧૫.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે

ઝોન ૭ એલસીબી ટીમે એક મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનથી દ્વારકા સપ્લાય થઈ રહેલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મુખ્ય ડ્રગ્સ ડીલરની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે વિસાલા પાસેથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૧૦.૧૭ લાખ રૂપિયાની કિંમતનું ૩૩૯ ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ અને ગાડી સહિત કુલ ૧૫.૬૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે જ ડ્રગ્સ મોકલનાર અને મેળવનાર બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ કાદર ઉર્ફે ઘુવડ મિયાણા છે, જે મૂળ જામનગરનો વતની છે. આરોપી કાદર છેલ્લા ૬ મહિનાથી રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવીને દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવાનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવી રહ્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે વિસાલા પાસે ઘેરાબંધી કરીને આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

ઝડપાયેલા આરોપી કાદરની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાંસવાડાના ફૈઝલખાન નામના ડ્રગ્સ ડીલર પાસેથી મેળવ્યો હતો. આ જથ્થો તે દ્વારકાના ફકીરા ઉર્ફે છાપી નામના સપ્લાયરને પહોંચાડવાનો હતો. ત્યારબાદ ફકીરા આ ડ્રગ્સનું નાના-મોટા વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આરોપી કાદર છેલ્લા ૬ મહિનામાં ૧૦થી વધુ વખત રાજસ્થાનથી ડ્રગ્સનો મોટો જથ્થો લાવી ચૂક્યો છે. આ કામ માટે તેને દરેક ટ્રીપ દીઠ ૨૫ હજાર રૂપિયાનું કમિશન મળતું હતું. દ્વારકાનો ફરાર આરોપી ફકીરા કાદરનો મિત્ર છે અને તેના જ કહેવાથી તે રાજસ્થાનથી આ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો હતો.

આ આખા ડ્રગ્સ નેટવર્ક અંગે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીસીપી ઝોન ૭ શિવમ વર્માના જણાવ્યા અનુસાર, પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેબ ટેસ્ટીંગ માટે મોકલ્યો છે. હાલમાં પોલીસ રાજસ્થાનના ફૈઝલખાન અને દ્વારકાના ફકીરાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ ડ્રગ્સ રેકેટના તાર અન્ય કયા મોટા માથા સુધી પહોંચે છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.