પુનિયાવાંટ એકલવ્ય સ્કૂલના શિક્ષકની અડધા ક્ષત્રમાં બદલી જતાં વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો

છોટાઉદેપુર જીલ્લાના પુનિયાવાંટ કેમ્પસમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓએ બાયોલોજીના શિક્ષકની અચાનક બદલી થતાં શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. શૈક્ષણિક વર્ષનું અડધું સત્ર પૂર્ણ થવાના આરે છે. ત્યારે જ પ્રિય શિક્ષકની બદલી કરાતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ છોટાઉદેપુર પ્રાયોજના અધિકારીની ‚બ‚ મુલાકાત લઈને વિરોધ નોંધાવ્યો છે. જ્યાં સુધી જૂના શિક્ષકને પુન: લાવવામાં નહીં આવે ત્યાં સુધી શાળાએ ન જવાની ચીમકી પણ આપવામાં આવી છે.

– અડધા સત્રમાં બદલીથી અભ્યાસ બગડવાની ભીતિ : પુનિયાવાંટ સ્થિત શાળામાં બદલી પામેલા શિક્ષક લાંબા સમયથી સનિષ્ઠ સેવા આપી રહ્યા હતા. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા ૧૭ વિદ્યાર્થીઓ તેમની સરળ શિક્ષણ પદ્ધતિથી ટેવાયેલા હતા. મધ્ય સત્રમાં નવા શિક્ષક આવવાથી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ અને પરિણામ પર વિપરીત અસર પડવાની ચિંતા વિદ્યાર્થીઓ સેવી રહ્યા છે. નવા શિક્ષકની ભણાવવાની શૈલી અનુકૂળ આવશે કે કેમ તે અંગે પણ ક્ષોભ વ્યાપ્યો છે.

તંત્રના આશ્ર્વાસન છતાં માંગણી પર અડગ : વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રાયોજના અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. અધિકારીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવીને નવા શિક્ષકને થોડા દિવસ માટે અજમાવી જોવા સૂચન કર્યું હતું. જોકે, વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પ્રસ્તાવ અસ્વીકાર્ય ગણાવ્યો હતો. વાલીઓએ બાળકોના ભવિષ્યનો સવાલ હોવાનું જણાવીને વિદ્યાર્થીઓના નિર્ણયને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

શિક્ષણ બહિષ્કારથી શૈક્ષણિક કાર્ય ઠપ : આ મુદ્દે તંત્ર દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ, વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. જૂના શિક્ષકની પુન: નિયુક્તિ ન થાય ત્યાં સુધી વર્ગખંડમાં ન પ્રવેશવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરાતાં શાળાનું શિક્ષણ કાર્ય અટવાયું છે.