
આજે ગુજરાતની લેબોરેટરીમાં PM મોદીએ રેમ્પની રાજનીતિનો પ્રયોગ કર્યો હતો. વડોદરામાં સભા સ્થળ પર પહોંચતા ‘હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી’ ગીતથી PM મોદીનું સ્વાગત કરાયું હતું. મોદીએ સ્ટેજ પર રેમ્પ વોક કરીને GEN-Zની સામે નારાજ ફૂફાને ફરી યાદ કર્યા. વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે જૂની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોઈલેટ ના બનાવી શકી, અમે ચીપથી શિપ સુધી બનાવી દીધું.

વડોદરાનો એક વીડિયો જોયો ખૂબ ગર્વ અનુભવ્યો’
મોદીએ કહ્યું કે, વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે આપની વચ્ચે આવ્યો છું. અહીં હજારો કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આ વિકાસ પર્વ માટે જે સેવા ભાવ સાથે વડોદરામાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું છે, તેના માટે હું વડોદરાના દરેક નાગરિકનો અભિનંદન કરું છું. તેની સરાહના કરું છું. મેં કાલે વડોદરાનો એક વીડિયો જોયો ખૂબ ગર્વ અનુભવ્યો, મારા વડોદરાના તમામ લોકોને અભિનંદન.

‘આજે 2800 કરોડનો પ્રોજેક્ટ પૂરો થયો’
વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટીનું શહેર છે. આજે ફ્રેડ કોરિડોરની અંતિમ કડીઓ જોડાઈ ગઈ છે. આજે 2800 કરોડનો પ્રોજેક્ટ પૂરો થયો. આ કોરિડોર આ વાતનું સાક્ષી છે કે વિતેલા 12 વર્ષમાં દેશની કામ કરવાની પદ્ધતિ કેવી રીતે બદલાઈ છે. આ કોરિડોર માટે 2004માં વિચાર શરૂ થયો હતો. એટલે કે ત્યારે કદાચ અહીં બેઠેલા પૈકી કેટલાકનો જન્મ પણ નહીં થયો હોય. 2006માં કંપની બની અને બાદમાં 2014 સુધી ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ ફરતી રહી.
‘પૂર્વી અને પશ્ચિમી ફ્રેડ કોરિડોર પર 430થી વધુ માલગાડી ચાલે છે’
આજે પૂર્વી અને પશ્ચિમી ફ્રેડ કોરિડોર પર 430થી વધુ માલગાડી ચાલે છે. પહેલા જે માલગાડી સાડા છ કલાકમાં 100 કિમીની યાત્રા કરતી હતી તે હવે તેનાથી અડધા સમયમાં યાત્રા પૂર્ણ કરશે. જ્યાં ટ્રકથી સામાન મોકલવા 30 કલાક લાગતા હતા તેના પર હવે 10થી 12 કલાક લાગશે.
‘ડબલ ડેકર માલગાડી ચલાવી’
હાલમાં JNPTથી વડોદરા સુધી ડબલ ડેકર માલગાડી ચલાવવામાં આવી. આ ગાડી ચાલવાથી એક વારમાં 250થી વધુ ટ્રક જેટલો સામાન મુંબઈથી વડોદરા પહોંચ્યો. હવે જે નારાજ ફૂફાજી છે તે બૂમો પાડશે કે ટ્રક ચાલકનું શું થશે. પણ હવે મોટી માત્રામાં સામાન એક સ્થળથી બીજા સ્થળે પહોંચી શકશે.
‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયા બાદ નવા ઉદ્યોગો આવશે’
આજે અનેક નવી ટ્રેન શરૂ થઈ છે. નવી ટ્રેનો થકી વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુરના લોકોને સુવિધા મળશે. દેશમાં કરોડો લોકો માટે ચીજવસ્તુઓ બને છે ત્યારે લોકોનું જીવન સુધરે છે. આ વર્ષે રેલ બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ છે, જે પાછલા વર્ષો કરતા અનેક ગણું મોટું છે. રેલવે હજારો નવા રોજગાર બનાવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયા બાદ તેની આસપાસ નવા ઉદ્યોગો આવે છે.
‘2500 કિમીના કામ પૂર્ણ કરી બતાવ્યા’
2014માં વડોદરાના લોકોએ મને દિલ્હી મોકલ્યો. 7-8 વર્ષમાં એક કિમી ફ્રેથ કોરિડોર પર કામ ન થયું. અગાઉની સરકાર મુજબ દેશ ચલાવતા તો ત્રણ ચાર પેઢી નીકળી જાત. 2014 બાદ મને અહીંથી હું જે ભણીને ગયો હતો ત્યાં પહોંચીને એ કામને ગતિ આપવાનું શરૂ કર્યું. 2500 કિમીના કામ આજે પૂર્ણ કરી બતાવ્યા છે. આ ફ્રેડ કોરિડોર દેશના વેપારનો મુખ્ય આધાર બની રહ્યું છે. આ કોરિડોર વિકસિત ભારતની જીવન રેખા છે. આના થકી ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની કાયાકલ્પ થઈ છે.
‘ભારતના યુવાનોએ AIમાં પારંગત થવું જરૂરી’
શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે. હાલમાં ડિગ્રી સાથે સ્કીલ પણ જરૂરી છે. આજે શિક્ષણ નીતિને નવા રૂપમાં ફેરવી રહ્યા છે. મે લાલ કિલ્લાથી બે ઘોષણા કરી હતી. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન ફ્રી કોચિંગ આપવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ભારતના યુવાનોએ AIમાં પારંગત થવું જરૂરી છે. AIના માધ્યમથી અનેક ક્ષેત્રમાં કામ થઈ શકે છે. સરકાર યુવાનો માટે નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવીને જ રહેવાનું છે.
‘હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું’
મોદીએ ગુજરાતીમાં કહ્યું, મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું, હું પોતે ગંદકી નહીં કરું તેવો સંકલ્પ કરીએ, દિવાળી ચકાચક જાય.. ધન્યવાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે PMએ સંબોધન પૂર્ણ કર્યું.