પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં એક શરમજનક ઘટના બની છે. હુગલી જિલ્લામાં એક ત્યજી દેવાયેલી ફેક્ટરીમાં એક સગીરા પર સામૂહિક બળાત્કાર થયો હોવાનો આરોપ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં એક તૃણમૂલ કોંગ્રેસ નેતા છે. પોલીસે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ૧૬ વર્ષીય પીડિતા ગુરુવારે સાંજે એક મિત્ર સાથે બંધ હિંદ મોટર ફેક્ટરીમાં ગઈ હતી. આરોપ છે કે આરોપીઓએ તેમના અન્ય સાથીઓ સાથે મળીને ફેક્ટરીની અંદર છોકરી પર જાતીય હુમલો કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને દરેક ખૂણાથી કેસની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા એક આરોપીની ઓળખ દીપાંકર અધિકારી ઉર્ફે સોનાઈ તરીકે થઈ છે, જે કથિત રીતે આ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના યુવા નેતા છે. બીજો આરોપી સગીર છે અને તે છોકરીનો પુરુષ મિત્ર હોવાનું કહેવાય છે.
અધિકારીએ કહ્યું કે તેઓ આરોપીઓના બે વધુ સાથીઓની શોધ કરી રહ્યા છે, જે હાલમાં ફરાર છે. તેમની શોધ ચાલુ છે. અધિકારીએ કહ્યું કે તપાસના ભાગ રૂપે, શનિવારે ઓળખ પરેડ યોજાશે. તેમણે કહ્યું, અમને હજુ સુધી ખબર નથી કે ધરપકડ કરાયેલા કોઈપણ આરોપીઓનો કોઈ રાજકીય સંબંધ છે કે નહીં. એક આઇપીએસ (ભારતીય પોલીસ સેવા) અધિકારીએ જણાવ્યું કે છોકરી ૧૬.૫ વર્ષની છે, જ્યારે તેનો મિત્ર (સગીર આરોપી) ૧૭ વર્ષનો છે. તેને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં મોકલવામાં આવ્યો છે. અમને પીડિતાનો મેડિકલ રિપોર્ટ મળ્યો છે અને તપાસ ચાલી રહી છે.
સ્થાનિક ટીએમસી નેતા નિતાઈ દાસગુપ્તાએ બાદમાં સ્વીકાર્યું કે ધરપકડ કરાયેલ આરોપી તેમની પાર્ટીનો સભ્ય છે. દાસગુપ્તાએ કહ્યું, જો આ વ્યક્તિ દોષિત સાબિત થાય છે, તો તેને કડક સજા થવી જોઈએ. હું પાર્ટીના ટોચના નેતૃત્વ પાસેથી માંગ કરીશ કે તેને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે. જિલ્લાના અન્ય ટીએમસી નેતા અજય શંકરે કહ્યું, અમે આવી કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને સમર્થન આપતા નથી. જો દોષિત સાબિત થાય છે, તો તેને સજા થવી જોઈએ.
આ સંદર્ભમાં સંપર્ક કરવામાં આવતા, ભાજપના નેતા અને ધારાસભ્ય અગ્નિમિત્ર પૌલે ટીએમસી સરકાર પર નિશાન સાયું અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પોલે કહ્યું, આ એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, પરંતુ અમે બંગાળમાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓથી ટેવાયેલા છીએ. શરમજનક વાત છે કે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં, અહીં મહિલાઓ સુરક્ષિત નથી. તેમણે કહ્યું, બંગાળના લોકોને તાત્કાલિક સત્તા પરિવર્તનની જરૂર છે. અમને આશા છે કે આગામી ચૂંટણીઓ પછી જ્યારે ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે, ત્યારે મહિલાઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં આવશે.