પંચમહાલ સમાચારની ઇમ્પેક્ટ ડેરોલ સ્ટેશનના નવા રોડ પરના બમ્પ પર તંત્ર દ્વારા વ્હાઇટ પટ્ટા મારવામાં આવ્યા

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે નવા બનેલા બ્રિજથી નાળા સુધીના માર્ગ પર માર્કિંગ વિનાના બમ્પના કારણે સર્જાતા અકસ્માતના જોખમ અંગે ગત તા.૨૩/૧૧ નારોજ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને આખરે બમ્પ પર સફેદ પટ્ટા (વ્હાઇટ માર્કિંગ) મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરોલ સ્ટેશન પાસે નવા બ્રિજથી નાળા સુધીના નવા રોડ પર ચારથી પાંચ બમ્પ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં કોઈ દિશાસૂચક બોર્ડ કે માર્કિંગ ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે અને અજાણ્યા વાહન ચાલકો માટે મોટો ખતરો ઊભો થયો હતો. દ્વિચક્રી વાહન ચાલકો પટકાઈ જવાના બનાવો બનતા સ્થાનિક જાગૃત યુવાનોએ લોકહિતમાં જાતે કલર કામ કરીને બમ્પ દૃશ્યમાન બનાવ્યા હતા અને તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા હતા જેના સમાચાર પંચમહાલ સમાચાર માં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને બમ્પ પર સ્પષ્ટ દેખાય તેવા વ્હાઇટ પટ્ટા મારવામાં આવતા વાહન ચાલકોને રાહત મળી છે. જોકે, બમ્પ પર સફેદ પટ્ટા મારવાની કામગીરી થઈ ગઈ હોવા છતાં, વાહનચાલકોને દૂરથી જ ચેતવણી મળી રહે તે માટે નિયમાનુસાર દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.