કાલોલની નર્મદા મુખ્ય કેનાલમાં ભ્રષ્ટાચાર કે બેદરકારીના ગાબડાં? શક્તિપુરા પાસે ૧૦ ફૂટથી મોટાં ત્રણ ગાબડાં પડતાં તંત્ર સામે સવાલો

પાણીના સતત પ્રવાહ વચ્ચે કેનાલના બાંધકામ અને મરામતની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ.

-૧૦૫ સબ ડિવિઝનના સી.આર. ગેટની સામે આઈ.પી. સાઈડ કેનાલની કોંક્રિટની દીવાલ ધરાશાયી.

કાલોલ પંથકમાંથી પસાર થતી જીવાદોરી સમાન નર્મદા મુખ્ય કેનાલની જાળવણી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. કાલોલ ૧૦૫ સબ ડિવિઝનના સી.આર. ગેટની સામે આવેલા આઈ.પી. સાઈડ શક્તિપુરા વિસ્તાર ખાતે નર્મદા કેનાલની સાઈડમાં ૧૦ ફૂટથી પણ મોટાં ત્રણ ગાબડાં પડી ગયાં હોવાનું બહાર આવ્યું છે. કોંક્રિટની દીવાલનો મોટો હિસ્સો તૂટી પડ્યો સ્થળ પરની પરિસ્થિતિ જોતાં કેનાલની કોંક્રિટની મજબૂત ગણાતી દીવાલનો ઘણો મોટો ભાગ તૂટીને ધરાશાયી થયેલો જોવા મળી રહ્યો છે. હાલમાં કેનાલમાં પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે, તેવા સમયે આ પ્રકારે ૧૦ ફૂટથી મોટાં ત્રણ-ત્રણ ગાબડાં પડવાં એ કેનાલના બાંધકામ અથવા ભૂતકાળમાં થયેલી મરામતની કામગીરીની ગુણવત્તા સામે શંકા ઉપજાવે છે. સ્થાનિકો માં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કાર્યવાહીની માંગ ઉઠી છે

પાણીના દબાણને કારણે જો આ ગાબડાં વધુ પહોળાં થાય તો આસપાસના ખેતરોમાં પાણી ફરી વળવાની અને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર બેદરકારી મામલે નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી સ્થળ પર દોડી જઈ તપાસ કરે, ગાબડાં પડવા પાછળનાં ચોક્કસ કારણો શોધે અને યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત સમારકામ કરાવી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાનીની દુર્ઘટના ન સર્જાય તે માટે નક્કર પગલાં ભરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.