પંચમહાલ જિલ્લા સર્વ શિક્ષા અભિયાન કચેરીના ૨.૭૯ કરોડના કોૈભાંડમાં નામ સામે આવતા ડી.પી.ઈ.ઓ.રજા પર ઉતર્યા

પંચમહાલ જિલ્લા સર્વ શિક્ષા અભિયાન કચેરીના રૂ.૨.૭૯ કરોડના કથિત કોૈભાંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(ડીપીઈઓ)ગાયત્રીબેન પટેલનુ આરોપી તરીકે નામ આવતા તેઓ રજા પર ઉતરી ગયા હતા. જયારે બી-ડીવીઝન પોલીસે આ ગુનામાં આરોપી તરીકે ડીપીઈઓ નુ નામ ઉમેરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લા સર્વ શિક્ષા અભિયાન કચેરી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અપાતી ચીજ વસ્તુઓની ખરીદી અંગે મોટાપાયે ગેરરિતી આચરાઈ હતી. સરકારની જોગવાઈ મુજબ ખરીદી નહિ કરી ખોટા બિલો બનાવી એજન્સી સંચાલકોને રૂ.૨.૭૯ કરોડનુ મોટાપાયે કોૈભાંડ સામે આવ્યુ હતુ. જેમાં પ્રોજેકટ ડાયરેકટરની ડુપ્લિકેટ સહી કરી નાણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં સર્વ શિક્ષા કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારી પુજન જોશી, નિતીન પટેલ અને ચાર એજન્સી સંચાલકો સામે ગુનો નોંધાતા પોલીસે પુજન જોશી અને નિતીન પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. દરમિયાન એજન્સી સંચાલકો કાજલ વિજયભાઈ સોનીગ્રા(વેદિકા એન્ટરપ્રાઈઝના માલિક), મહેશ મુળશંકર ભટ્ટ (શ્રીરામ એન્ટરપ્રાઈઝના માલિક)પ્રશ્રાંત મહેશભાઈ ભટ્ટ અને સ્વામી પ્રશ્રાંતભાઈ ભટ્ટ(અક્ષર સેફટી પ્રોડકટ્સના માલિક)દ્વારા ગોધરા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરાઈ હતી. જેની સુનાવણી ચોથા એડિ.ડિસ્ટ્રિકટ જજ આર.આર.પટેલની કોર્ટમાં હાથ ધરાતા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે તમામની આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી. જોકે આ ગુનામાં ડીપીઈઓ ગાયત્રીબેન પટેલનુ નામ પણ આરોપી તરીકે આવતા તેઓ રજા પર ઉતરી ગયા હોવાનુ જાણવા મળ્યુ હતુ.